ટ્રેનમાં ચોરી કરતા ચાર શખસોની પિસ્તોલ, ૩૦ મોબાઈલ સાથે ધરપકડ

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ભીલવાડાનગરમાંથી ગત રાત્રે સાયબર ક્રાઈમની ટીમે ચાર શંકાસ્પદ શખસોની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની પાસેથી એક પિસ્તોલ, બે કારતૂસ અને ૩૦ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. તેઓની પૂછપરછ કરતાં ચારેય શખસો ટ્રેનમાં મુસાફરોના માલસામાનની ચોરી કરતા હતા. તમામ આરોપીની પોલીસે હાલ વધુ પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાત રાજ્યમાં દસ આંતકી ઘૂસ્યાના હાઈ એલર્ટને પગલે સ્થાનિક પોલીસ સહિત એજન્સીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ગઈ કાલે રાત્રે સાયબર ક્રાઈમ પી.આઈ. વી.જે. રાઠોડ અને પીએસઆઈ જે.એમ. જાડેજાની ટીમને બાતમી મળી હતી કે અમરાઈવાડી વિસ્તારના ભીલવાડાનગરના એક મકાનમાં ચાર પરપ્રાંતીય શખસો શંકાસ્પદ છે, જેના આધારે પોલીસની બે ટીમોએ ઘરે દરોડો પાડી ચારેયની અટકાયત કરી હતી.

પોલીસને તેઓની પાસેથી હથિયાર અને ૩૦ મોબાઈલ મળ્યા હતા, જે બાબતે પૂછપરછ કરતાં તેઓ રાત્રિના સમય દરમિયાન અલગ અલગ ટ્રેનોમાં મુસાફરી કરતા અને મુસાફરના માલસામાનની ચોરી કરી લેતા હતા. ચારેય ઈસમો મૂળ બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી છે અને છએક દિવસ અગાઉ જ અમરાઈવાડીમાં ભાડેથી મકાન લઈ રહેવા આવ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓની આજે પૂછપરછ હાથ ધરાશે, જેમાં અનેક ગુનાઓ બહાર આવે તેમજ અન્ય કોઈ ઈરાદે આવ્યા હતા કે કેમ તેની વિગતો બહાર આવી શકે છે.

You might also like