2016માં દેશનાં વિવિધ રાજ્યમાંથી 55000 બાળકોનાં થયાં હતાં અપહરણ

નવી દિલ્હી: દેશનાં વિવિધ રાજયોમાં છેલ્લાં કેટલાંક સમયથી બાળકોનાં અપહરણના કિસ્સા વધી રહ્યાના સમાચારો અવારનવાર આવતા હોય છે ત્યારે કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૬ દરમિયાન સમગ્ર દેશના વિવિધ રાજ્યમાંથી ૫૫૦૦૦ જેટલાં બાળકોનાં અપહરણ થયા છે જે ૨૦૧૫ની સરખામણીએ ૩૦ ટકા વધુ છે.

ગૃહ મંત્રાલયના ૨૦૧૭-૧૮ના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૬માં ૫૪૭૨૩ બાળકોનાં અપહરણ થયાં હતાં. પરંતુ માત્ર ૪૦. ૪ ટકા કેસમાં જ આરોપપત્ર દાખલ (ફરિયાદ) દાખલ થઈ હતી. બાળકોનાં અપહરણનાં મામલે દોષિત સાબિત થવાના માંડ ૨૨.૭ ટકા જ કેસ છે. ૨૦૧૫માં આવા ૪૧૮૯૩ કેસ દાખલ થયા હતા. જ્યારે ૨૦૧૪માં તેની સંખ્યા ૩૭,૮૫૪ હતી. જોકે વર્ષ ૨૦૧૭ના આંકડા હજુ બહાર આવ્યા નથી.

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં દેશમાં કેટલીક જે ઘટનાઓ બની રહી છે તેમાં મારપીટ કરી હત્યાના કેસમાં મોટા ભાગે બાળકોની ચોરીની ઘટના સોશિયલ મીડિયા પર વહેતી થઇ હતી. જોકે આવી બાબત માત્ર અફવા જ સાબિત થઇ છે.

You might also like