સુરતના ઓલપાડના ગામમાં ગર્ભશ્રીમંત ખેડૂતની લૂંટના ઈરાદે હત્યા

સુરતના ઓલપાડના ગામમાં એક ગર્ભશ્રીમંત ખેડૂતની લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ખેડૂતની લાશ શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં વિપુલ મહેન્દ્રભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો. તેઓ ૧૦૦ વિઘા જમીન ધરાવતા હતા. તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. ગઈ કાલે ખેતર પર ગયેલા પિતા મોડી રાત્રી સુધી ઘરે ન પહોંચતા પુત્ર પિતાને શોધવા નીકળ્યો હતો.

દરમિયાન ખેતરની નજીકમાં વિપુલભાઈની મોપેડ મળી આવ્યું હતું. નજીકમાં આવેલા શેરડીના ખેતરમાં જોતા વિપુલભાઈ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેના શરીર પરથી હાથનું સોનાનું બ્રેસલેટ, ૫ાંચ વીટી, ગળામાંથી રુદ્રાક્ષની માળા ગાયબ હતાં.

હત્યાને લઇ પુત્રએ પોલીસને જાણ કરી હતી. કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. લૂંટારુઓએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ લૂંટ વિશ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like