અમેરિકામાં ભારતીય શીખ વિદ્યાર્થીની હત્યા થતાં ચકચાર

વોશિંગ્ટન: કેલિફોર્નિયામાં ચાર લુંટારુંઓએ ૨૧ વર્ષના ભારતીય વિદ્યાર્થી ધર્મપ્રીત સિંહ જસ્સરની ગોળી મારીને હત્યા કરતાં ખળભળાટ મચી ગયો છે. હત્યારામાં એક ભારતીય મૂળની વ્યક્તિનો પણ સમાવેશ થતો હતો. પોલીસે હત્યાના આરોપી એવા ભારતીય મૂળના ૨૨ વર્ષના યુવાન અટવાલની ધરપકડ કરી છે અને બાકીના ત્રણ આરોપી હત્યારાઓની શોધખોળ જારી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ધર્મપ્રીત સિંહ જસ્સર ફ્રેસનો શહેરમાં આવેલ ગેસ સ્ટેશનની બાજુમાં કરિયાણાની દુકાન પર કામ કરતો હતો. દરમિયાન રાત્રે ચાર સશસ્ત્ર અપરાધીઓ લૂંટના ઈરાદાથી ફાયરિંગ કરતા તેમની દુકાનમાં પ્રવેશ્યા હતા. ધર્મપ્રીત સિંહ જસ્સર પોતાનો જીવ બચાવવા કેસ કાઉન્ટર નીચે છુપાઈ ગયો હતો. એ વખતે તેને એક ગોળી વાગી હતી અને ઘટનાસ્થળે તેનું મોત થયું હતું.

બીજા દિવસે સવારે જ્યારે એક વ્યક્તિ દુકાનમાં કંઈક ખરીદવા પ્રવેશી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. તેણે ધર્મપ્રીત સિંહ જસ્સરની લાશ ફર્શ પર પડેલી જોઈ હતી. આથી આ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. ધર્મપ્રીત સિંહ જસ્સર મૂળ પંજાબનો રહેવાસી હતો અને ત્રણ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો.

ભારતે ધર્મપ્રીત સિંહ જસ્સરના પરિવારને તમામ મદદ ઉપલબ્ધ કરવાની ખાતરી આપી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે તેમણે આ ઘટનાનો વિગતવાર અહેવાલ મળી ગયો છે. આ ઘટનાની તપાસનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પીડિતના પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

You might also like