US-Mexico દીવાલ મામલે અમેરિકામાં હવે ગમે તે ઘડીએ શટડાઉનના ભણકારા

વોશિંગ્ટન: અમેરિકા-મેક્સિકો બોર્ડર વોલના ફંડીંગ મામલે ડેમોક્રેટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન વચ્ચે સંમતિ નહીં સધાતાં અમેરિકામાં હવે શટડાઉનનો ખતરો ઝળૂંબી રહ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવી ધમકી આપી છે કે જો અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવાલ બનાવવા માટે નાણાંભંડોળ જારી કરવામાં નહીં આવે તો તેમની સરકાર શુક્રવાર-શનિવાર મધરાતથી શટડાઉન શરૂ કરી દેશે.

આમ અમેરિકી સંસદમાં બોર્ડર વોલના મામલે સર્વસંમતિ નહીં સધાતા અમેરિકામાં હવે શટડાઉન સુનિશ્ચિત બની ગયું છે. આ શટડાઉનથી અનેક મહત્ત્વપૂર્ણ એજન્સીઓનું કામ પ્રભાવિત થઇ શકે છે.

ટ્રમ્પ પ્રશાસને અમેરિકા-મેક્સિકો બોર્ડર પર દિવાલના નિર્માણ માટે પાંચ અબજ ડોલરની માગણી કરી છે. ટ્રમ્પે આજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જો ડેમોક્રેટસ બોર્ડર સિકયોરિટી માટે નાણાંભંડોળ આપવાની તરફેણમાં વોટિંગ નહીં કરે તો આજથી અમેરિકન સરકાર કામ કરશે નહીં.

રિપબ્લિકન્સ દ્વારા ગુરુવારે પાંચ અબજ અમેરિકી ડોલરનું ફંડીંગ બિલ પાસ કરી દીધું હતું. શુક્રવારે સેનેટમાં આ બિલ પર વોટિંગ શરૂ થયું છે, પરંતુ ડેમોક્રેટસ આ બિલની વિરુદ્ધ છે. ડેમોક્રેટ્સ અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલ ઊભી કરવાના બદલે ફેન્સિંગ બાંધવાની તરફેણમાં છે. પરિણામે શુક્રવારે આ બિલ સેનેટમાં પાસ થયું નહોતું. જેને લઇને ટ્રમ્પે વધુ એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેમના વલણને કારણે જો અમેરિકામાં શટડાઉન થશે તો તેની જવાબદારી ડેમોક્રેટ્સની રહેશે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર શટડાઉનની આશંકાને લઇને બોર્ડર વોલ મામલે હવે ડેમોક્રેટ્સ હવે ટ્રમ્પ પ્રશાસન સાથે વાતચીત કરવા તૈયાર થઇ ગયા છે, પરંતુ અમેરિકાના સમય અનુસાર સાંજે ૭-૦૦ વાગ્યે સંસદની બેઠક સ્થગિત કરવામાં આવી હતી અને આ મુદ્દે હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં એવું પણ જણાવ્યું છે કે પ્રશાસન આ મુદ્દે કોઇ પણ ભોગે સમાધાન કે સમજૂતી કરશે નહીં. ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ડેમોક્રેટસ એવું કહે છે કે તેઓ કોંક્રીટ વોલ બનાવવા માગતા નથી, પરંતુ અમે કોંક્રીટ વોલ બનાવી રહ્યા છીએ.

અમે એક ખાસ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવેલ સ્ટીલસ્લેટ તૈયાર કરી રહ્યા છીએ, જેની આરપાર જોઇ શકાશે. આ દીવાલ સુંદર હોવાની સાથે સાથે અમેરિકાને સુરક્ષા પણ આપશે. બોર્ડર સિકયોરિટી માટે હું મારી સરકારના શટડાઉન માટે તૈયાર છંુ. એના માટે હિંમત જોઇએ. હું શટડાઉન કરી દઇશ.

You might also like