બ્રિટનમાં ટેક્સમાં ભૂલ નીકળતાં લોકોને સોરી કહે છે રેવન્યૂ વિભાગ

લંડન: બ્રિટનનો રેવન્યૂ વિભાગ ટેક્સમાં ભૂલ થતાં લોકોની કાયદેસરની માફી માગે છે. જો લોકો પાસે ટેક્સની ખોટી જાણકારી પહોંચે છે તો તેમને ફૂલ મોકલવામાં આવે છે. ર૦૧૪થી અત્યાર સુધી રેવન્યૂ વિભાગ આ પ્રકારે લગભગ રૂ.૯.પ લાખના ફૂલ મોકલી ચૂક્યો છે.

સોરી તરીકે ફૂલ મોકલવાની વાતની ટીકાઓ પણ થઇ રહી છે, પરંતુ વિભાગનું કહેવું છે કે ફરિયાદો પર આ પ્રકારનો જવાબ આપવો એક પર્સનલ બાબત છે અને તે લોકોને ખુશી આપે છે. ડેઇલી ટેલિગ્રાફના જણાવ્યા મુજબ રેવન્યૂ વિભાગની ઘણી ભૂલો થઇ છે.

એક કાફે માલિકનેે ૯૪,૦૦૦ કરોડ રૂપિયાનું બિલ મોકલી દેવાયું, જ્યારે પેન્શનરને ટેકસમાં ૮૦ પાઉન્ડની છૂટ આપવાની હતી. ભૂલ પકડાતાં તેમની પાસે ફૂલ તો પહોંચી ગયા, પરંતુ ચેક તો એક પાઉન્ડનો જ મળ્યો.

ટીકાકારોનું કહેવું છે કે રેવન્યૂ વિભાગે ફૂલ મોકલવાના બદલે ટેક્સ સિસ્ટમ સરળ બનાવવી જોઇએ અને પોતાની ભૂલો પર કામ કરવું જોઇએ. ટેક્સ પેયર્સ એલાયન્સ કંપનીના ચીફ એક્ઝિકયુટિવ જોન ઓકોનેલનું કહેવું છે કે જ્યારે લોકો પર પહેલાં જ બોજ છે ત્યારે ફૂલ મોકલીને માફી માગવાની રીત વાહિયાત છે.

જોનના જણાવ્યા મુજબ બ્રિટનની ટેક્સ સિસ્ટમ ખૂબ જ અટપટી છે. રેવન્યૂ વિભાગના બ્યૂરોક્રેટ્સને પણ ખબર નથી કે તેઓ આ કામ કેવી રીતે કરે છે. અત્યાર સુધી કોઇ પણ રાજનેતાએ ટેક્સ રિફોર્મ કરવાની વાત કરી નથી. એક અધિકારીનું કહેવું છે કે લોકોને ફૂલ મોકલવું સારી બાબત રહી, તેના કારણે વિભાગ પ્રત્યે લોકોની નજરમાં પરિવર્તન આવ્યું, પરંતુ નાણાકીય બાબતમાં ભૂલ ન થવી જોઇએ.

You might also like