સર્જિકલ સ્ટ્રાઈકમાં મસૂદનો ખાતમો બોલાવી દઈશુંઃ યોગી

નવી દિલ્હી: રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના આખરી દિવસના એક દિવસ અગાઉ એટલે કે મંગળવારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામમંદિરને લઇને આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ પ્રમુખ મસૂદ અઝહરને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો તે અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં ધમકી આપશે તો ભારતનો આગામી સર્જિકલ સ્ટ્રાઇક તેના પર થશે. આગામી સર્જિકલ સ્ટ્રાઇકમાં અમે મસૂદ અઝહરને ખતમ કરી નાખીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મસૂદ અઝહરે એવી ધમકી આપી હતી કે જો બાબરી મસ્જિદ પર રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે તો અમે કાબૂલથી અયોધ્યા સુધી તબાહી મચાવી દઇશું. રાજસ્થાનમાં ભાજપની ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે અઝહરને જડબાતોડ જવાબ આપ્યો છે.

રેલીને સંબોધન કરતાં ૪૩ વર્ષીય મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંચ પરથી રામમંદિર નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો મસૂદ અઝહર રામમંદિર માટે આપણને ધમકી આપતો હોય તો આગામી સર્જિકલ સ્ટ્રાઇકમાં તેના જેવા આતંકીઓનો ખાતમો બોલાવી દઇશું.

વિજયનગરમાં યોગી આદિત્યનાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે એટલે સુધી મે મસૂદ અઝહરના માસ્ટર કે તેના આકા પણ બચી નહીં શકે. વાસ્તવમાં અયોધ્યામાં ૧પ૭૮માં મોગલ સમ્રાટ બાબર દ્વારા નિર્મિત બાબરી મસ્જિદ ૬ ડિસેમ્બર, ૧૯૯રના રોજ હિંદુ કારસેવકોએ તોડી પાડી હતી અને એવો દાવો કર્યો હતો કે અહીં પહેલાં રામમંદિરનું અસ્તિત્વ હતું. ત્યારથી આ મુદ્દાને લઇને રામમંદિરનું નિર્માણ કરવા સમયાંતરે જોરશોરથી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

તાજેતરમાં પણ વિહિપ અને સાધુ સંત સમુદાયે રામમંદિર નિર્માણ માટે ઉગ્ર ઝુંબેશ ઉપાડી છે અને મોદી સરકાર પર જરૂર પડે રામમંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કરવા વટહુકમ લાવવા દબાણ કર્યું છે. રામમંદિરનો મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીન છે.

You might also like