પીઆઈ-એસઆરપીની હાજરીમાં ત્રણ યુવાનો બિન્દાસ્ત ગાય છોડાવી ગયા

અમદાવાદ: શહેરમાં રખડતાં ઢોરોને ઝડપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જુદા જુદા વિસ્તારોમાં ફરી અને તેમને ડબામાં પૂરે છે પરંતુ આ ઢોરોના માલિક ટીમ સાથે રહેતી પોલીસ અને એસઆરપી સાથે દાદાગીરી કરી અને ઢોરોને છોડાવી જાય છે.
ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સોલા વિસ્તારમાંથી રસ્તા પર રખડતી કેટલીક ગાયોને પકડી અને ટ્રેલરમાં પૂરી હતી. ટીમ ફરતા ફરતા જજીસ બંગલો રોડ પર પહોંચી ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ પી.આઈ અને એસઆરપીની હાજરીમાં પાંચ ગાયો છોડાવી ફરાર ગયા હતા. આ અંગે પી.આઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ગઈ કાલે જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની કામગીરી કરવાની હોઈ કોર્પોરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કે.વી.દાફડા તેમના કર્મચારી અને એસઆરપીની ટુકડી સાથે સાંજના સમયે ટીમ સાથે ફરતા હતા.

હેબતપુર ક્રોસ રોડ પાસે કેટલીક ગયો રસ્તા પર રખડતી હોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા તેમને પકડી અને ટ્રેલરમાં ચડાવી દીધી હતી. ગાયો પકડી અને ટીમ જજીસ બંગલો થઇ અને પ્રેમચંદનગર રોડ પરથી પસાર થતી હતી ત્યારે ટ્રાફિક વધુ હોઈ વાહનો ધીર પાડ્યાં હતાં.

દરમ્યાનમાં અલગ અલગ બાઈક પર ત્રણ શખ્સો આવ્યા હતા અને જે ટ્રેલરમાં ગાયો ભરેલી હતી તેને રોકી લીધી હતી. ટ્રેલરનું પાટિયું ખોલી અને ગાયોને મુક્ત કરવા હાજર એસઆરપીની ટીમ અને પીઆઈ દોડી ગયા હતા. ત્રણેય શખ્સોએ પોલીસ અને એસઆરપીની ટીમ પર હુમલો અને ઝપાઝપી કરી પાંચ ગાયોને મુક્ત કરાવી દીધી હતી.

બે બાઈક પર બેસી ત્રણેય શખ્સ નાસી ગયા હતા. જે બાઈકથી ટ્રેલર રોક્યું હતું તે બાઈક પોલીસે જપ્ત કરી લીધું હતું. ગાયો ભગાડી જનારની તપાસ કરતા દેવાભાઇ ભરવાડ (રહે. પાવાપુરી રોડ, સાંઈબાબા મંદિરના છાપરાંમાં, ઘાટલોડિયા), તેનો સગો ભાઈ અને અન્ય અજાણ્યો માણસ હોવાનું જાણવા મળ્યું હતું.  પી. આઈ કે.વી.દાફડાએ આ અંગે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેમને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

You might also like