ફોટો સેશનમાં વર-વધૂને વાંકું પડ્યું ને મારામારી બાદ જાન લીલા તોરણે પાછી ફરી

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં ગઈ કાલે યોજાયેલા લગ્ન પ્રસંગમાં સ્ટાઈ‌લિશ ફોટોશૂટ કરવા જેવી સામાન્ય બાબતે દુલહન અને વરરાજા વચ્ચે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લગ્નના સાત ફેરા ફર્યા વગર લીલા તોરણે જાનૈયાઓ પરત ફર્યા હતા. વરરાજાએ લગ્નની ના પાડતાં બંને પક્ષો વચ્ચે સામસામે મારામારી થઈ હતી.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ હબીબ શેઠની ચાલીમાં રહેતી અને ટીવાયબીકોમમાં અભ્યાસ કરતી નીલમ રાજેશભાઇ ચૌહાણે રામોલ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ કરી છે. નીલમની સગાઇ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા સંજય રામચંદ્ર ચૌહાણ સાથે થઇ હતી.

ગઇ કાલે નીલમનાં સંજય સાથેનાં લગ્ન રામોલ વિસ્તારમાં આવેલ કુશાભાઉ ઠાકરે હોલમાં રખાયાં હતાં. રાતે નીલમનાં માતાપિતા અને સગાંસંબંધીઓ હોલ પર હાજર હતાં ત્યારે સંજય જાન લઇને આવ્યો હતો. જાનૈયાનું સ્વાગત કરીને જરૂરી પૂજા કરીને ભોજન સમારંભ શરૂ કર્યો હતો ત્યારે મોડી રાતના સાડા અગિયાર વાગ્યાની આસપાસ હોલના એક રૂમમાં નીલમનું ફોટોશૂટ ચાલતું હતું તે સમયે સંજય પણ રૂમમાં આવીને નીલમ સાથે ફોટા પડાવવા લાગ્યો હતો.

સંજયે નીલમ સાથે અલગ અલગ સ્ટાઇલથી ફોટા પડાવવાનું કહ્યું હતું. સ્ટાઇલથી ફોટા પડાવવાની નીલમે સંજયને ના પાડી દેતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મારે તારી સાથે લગ્ન નથી કરવાં તેમ કહીને રૂમની બહાર જતો રહ્યો હતો. સંજય હોલમાં જઇને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો કે મારે લગ્ન નથી કરવાં. હું જાઉ છું. સંજયની બૂમો સાંભળીને નીલમના પિતા અને સગાંસંબંધીઓ સંજયના પિતા રામચંદ્રને સમજાવવા લાગ્યાં હતાં.

સંજયનું ઉપરાણું લઇને રામચંદ્ર નીલમના પિતા રાજેશભાઇને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જોતજોતાંમાં મામલો એ હદે બીચક્યો કે સંજય અને તેના પિતા રામચંદ્ર નીલમના કાકા ધુરધરસિંહ પર હુમલો કરીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા તો બીજી તરફ નીલમના સંબંધીઓ પણ વચ્ચે પડતાં સામસામે મારામારી થઇ હતી.

મામલો એ હદે બીચક્યો કે બન્ને તરફે આવેલા સંબંધીઓએ એકબીજાને છોડાવ્યા હતા જ્યારે સંજય જાન લઇને પરત જતો રહ્યો હતો. આ ઘટના બાદ નીલમ સીધી રામોલ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી અને સંજય અને તેના પિતા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.

You might also like