સાતમા પગાર પંચના પે ફિક્સેશનમાં મ્યુનિ.માં ‘વ્યવહાર’નો વિવાદ ઉઠ્યો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી સાતમા પગાર પંચનું એરિયર્સ ન ચૂકવાતાં કર્મચારીઓમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સાતમા પગાર પંચની એરિયર્સની ચૂકવણીમાં વિલંબના મામલે નાણાં વિભાગની બેદરકારી જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દરમ્યાન સાતમા પગાર પંચના પે ફિક્સેશનમાં નાણા વિભાગમાં પાછલા બારણે ‘વ્યવહાર’ન કરવો જરૂરી બન્યો હોવાનો પણ નવો વિવાદ ઉઠ્યો છે.

૧ જાન્યુઆરી, ર૦૧૬એ સાતમા પગાર પંચની અમલવારી થયા બાદ ૧ ઓગસ્ટ ર૦૧૬ સુધીના સાત મહિનાના એરિયર્સના તફાવતની રૂ.૧ર૦ કરોડની રકમ થાય છે. જેની ચૂકવણી ત્રણ હપતામાં કરવાની જાહેરાત માર્ચ-ર૦૧૭માં સરકાર દ્વારા કરાઇ હતી.

રાજ્ય સરકારની આ જાહેરાતના પગલે અમદાવાદ સિવાયની અન્ય તમામ કોર્પોરેશનોમાં એરિયર્સની ચૂકવણી કરાઇ છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશનમાં આ રકમ આજ દિન સુધી ચૂકવાઇ નથી. જેની પાછળ નાણાં વિભાગની બેદરકારી જવાબદાર હોવાનું મ્યુ‌િ‌નસિપલ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. જોકે હવે રહી રહીને નાણાં વિભાગ દ્વારા આને લગતી ફાઇલ તૈયાર કરાઇને કમિશનર સમક્ષ મુકાઇ હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ ૭માં પગારપંચના પે ફિકસશન મામલે નવો વિવાદ ઉઠ્યો છે. નાણા વિભાગના કેટલાક લેભાગુ કર્મચારી સ્ટાફ પાસેથી છઠ્ઠા પગાર પંચને અનુસરીને સાતમા પગાર પંચના ગ્રેડેશન મુજબનો પગાર ફિકસ કરવા ‘નાણાકીય વ્યવહાર’ ની આશા રાખતા હોવાની ચર્ચ ઊઠી છે. અમુક કિસ્સામાં તો સ્ટાફને નાણાં વિભાગના આ લેભાગુ કર્મચારીના ખિસ્સામાં રૂ. દશ થી વીસ હજાર મૂકીને તેમને ખુશ રાખવાની ફરજ પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આધારભૂત વર્તુળો કહે છે ખુદ નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબતની ગંધ આવી ગઇ છે. જોકે સમગ્ર વિવાદ પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. અલબત્ત નાણાં વિભાગના નવા પ્રકારનાં આ કૌભાંડ સામે શાસકો સુધી ગંભીરતાથી રજુઆત કરાઇ છે.

You might also like