નવા પશ્ચિમ ઝોનમાં મ્યુનિ.ના 170 ખુલ્લા પ્લોટ નધણિયાતા જેવી હાલતમાં

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની બેદરકારીથી ટીપી રસ્તા પરના દબાણનો પ્રશ્ન તો જ‌િટલ બન્યો જ છે, પરંતુ તંત્રની માલિકીના સોનાની લગડી જેવા કીમતી પ્લોટમાં પણ અસામાજિક તત્ત્વો વર્ષોથી અડિંગો જમાવીને બેઠાં છે. આવી જમીનમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી ઊભી થવી કે દુકાન-શેડ-ગોડાઉનનો ધમધમાટ સામાન્ય બાબત થઈ છે.

તેમ છતાં આ દિશામાં હજુ પૂરેપૂરી ગંભીરતા દાખવવામાં આવતી નથી. કોર્પોરેશનના સૌથી મોટા નવા પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આ ઝોનમાં આજની સ્થિતિએ ૧૭૦ પ્લોટ કમ્પાઉન્ડ વોલ વગરના રહી જવાના હોઈ આ તમામ પ્લોટ કાયમી દબાણગ્રસ્ત થવાની શક્યતા છે.

તાજેતરની સ્ટેન્ડિંગ કમિટીમાં નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા વેજલપુર, બોડકદેવ, થલતેજ, જોધપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને સરખેજ વોર્ડમાં આવેલા અંદાજે ૨૬ મ્યુનિસિપલ માલિકીના પ્લોટને પ્રિકાસ્ટ પેનલની કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરવા માટે એક દરખાસ્ત મુકાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીએ આ માટે રૂ.સાત કરોડના ટેન્ડરને મંજૂરી આપી હતી.

પરંતુ શહેરભરમાં મ્યુનિસિપલ માલિકીના પ્લોટ પર અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવીને બેઠાં છે. આવા પ્લોટને દબાણમુક્ત કરવા તંત્ર ઈચ્છાશક્તિના અભાવે લાચાર બન્યું છે. કેટલાક કિસ્સામાં કોર્ટમાં મામલો ગયો હોઈ તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશનની કામગીરી હાથ ધરી શકાતી નથી.

મ્યુનિસિપલ તંત્રમાં સૌથી મોટા ગણાતા નવા પશ્ચિમ ઝોનમાં પણ ખુલ્લા પ્લોટમાં દબાણની સમસ્યા વર્ષોજૂની છે. આ ખુલ્લા પ્લોટને પ્રિકાસ્ટ પેનલની કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરવાની દિશામાં આજે પણ અડધા-અધૂરા પ્રયાસ થઈ રહ્યા છે.

આધારભૂત વર્તુળો કહે છે, નવા પશ્ચિમ ઝોનમાં મ્યુનિસિપલ માલિકીના કુલ ૩૯૧ પ્લોટ છે, જે પૈકી ૩૫૭ પ્લોટનો પૂર્ણ કબજો મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસે છે. હજુ ૩૪ પ્લોટ પર એક અથવા બીજા પ્રકારનાં દબાણ હોઈ પૂરેપૂરો કબજો તંત્ર ધરાવતું નથી.

જ્યારે ખાલી પ્લોટને કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરવાની વિગત તપાસીએ તો કુલ ૧૫૭ પ્લોટ કમ્પાઉન્ડ વોલથી સલામત છે. બે પ્લોટના બેતૃતીયાંશ હિસ્સામાં ફેન્સિંગ કરાયું છે, પરંતુ કમ્પાઉન્ડ વોલ વગરના કુલ ૧૯૬ પ્લોટ પૈકી ૨૬ પ્લોટમાં રૂ.નવ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની શાસકોએ તાજેતરમાં મંજૂરી આપી હોવા છતાં હજુ ૧૭૦ પ્લોટ ગમે ત્યારે દબાણગ્રસ્ત થઈ શકે છે જ્યારે પાર્ટ પઝેશનવાળા ૩૪ પ્લોટમાં પણ આજની સ્થિતિએ પણ કમ્પાઉન્ડ વોલની ગુંજાઈશ રહેતી નથી.

ઈજનેર વિભાગની બેદરકારીથી ૨૧૨ પ્લોટમાં હજુ તંત્રની માલિકીનાં બોર્ડ લગાવાયાં નથી. માત્ર ૧૬૩ પ્લોટમાં આવાં બોર્ડ લગાવાયાં હોઈ આ બાબત પણ મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારના આદેશની એક પ્રકારે અવગણના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

You might also like