સૌથી સુરક્ષિત નવા સચિવાલયમાં મોડી રાતે દીપડો ઘૂસી ગયોઃ તંત્રમાં દોડધામ

અમદાવાદ: રાજ્યના સૌથી સુરક્ષિત વિસ્તાર ગણાતા ગાંધીનગરના નવા સચિવાલયમાં ગત મોડી રાતે દીપડો ઘૂસી જતાં ભારે ચકચાર સાથે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સચિવાલયના ગેટ નં.૭ નીચેેથી દીપડો ઘૂસ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાતાં તાત્કા‌િલક પોલીસ અને વન વિભાગને જાણ કરાતાં વન વિભાગના નિષ્ણાત અધિકારીઓની ટીમ અને ૧૦૦થી વધુ કર્મચારીઓએ સચિવાલયમાં પહોંચી જઇ દીપડાની શોધખોળ શરૂ કરી છે. સચિવાલયમાં કર્મચારીઓ અને મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો હતો.

સચિવાલયના તમામ ગેટ બંધ કરી આખું સંકુલ ખાલી કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સરકારની અને વહીવટીતંત્રની કામગીરી ખોરવાઇ હોવાનો કિસ્સો બન્યો છે. આ લખાય છે ત્યાં સુધી દીપડાની કોઇ ભાળ મળી શકી નથી અને વન વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત વિસ્તાર તેમજ નેતાઓ જ્યાં કાર્ય કરે છે તેવા ગાંધીનગરના નવા સચિવાલયમાં ગઇ કાલે મોડી રાતે એક દીપડો ઘૂસી જતાં વન વિભાગ અને પોલીસ દોડતાં થઇ ગયાં છે. સચિવાલયના ગેટ પર ફરજ બજાવતા સંત્રીએ મોડી રાતે ૧-૩૦ કલાકે ગેટ પર લાગેલા સીસીટીવીમાં જોતાં ગેટ નં.૭માંથી એક દીપડો અંદર પ્રવેશતો જોયો હતો.

સચિવાલયમાં દીપડો જોવા મળતાં તેણે પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. મોડી રાતે વન વિભાગ અને પોલીસના અધિકારીઓ સચિવાલય દોડી ગયા હતા અને દીપડાની શોધખોળ શરૂ કરી છે. સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨, જેમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના પ્રધાનો બેસે છે તે સુમસામ બની ગયા હતા.

સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓ આવતાંની સાથે જ તેમને ગેટ પર રોકી દેવાયા છે. સચિવાલયના તમામ ૭ ગેટ બંધ કરી દેવાયા છે. કોઇ પણ વ્યક્તિને પ્રવેશવા દેવાયા ન હતા. વન વિભાગના ૧૦૦થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા સચિવાલયના તમામ બ્લોક, પાર્કિંગ, ભોંંયરું, ઓફિસો અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

દીપડાને પકડવા માટે ટ્રાન્કવિલાઇઝર ગન અને પાંજરાઓ સચિવાલયમાં લઇ જવાયા છે. દીપડાને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ શરૂ કરાઇ છે. સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ આવી પહોંચતાં તેઓને પણ ગેટની બહાર રોકી દેવાયા છે. આજે સોમવારનો દિવસ હોઇ મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો હતો.

સચિવાલયમાં ગેટ નં.૧થી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવે છે, જેથી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દીપડાનું લોકેશન ટ્રેસ થયા બાદ તેને ટ્રાન્કવિલાઇઝર ગનથી બેભાન કરવામાં આવશે. મોડી રાતથી દીપડાને શોધવા માટે સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવાય છે. સચિવાલયમાં લાગેલા આશરે ૧૩૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજને તપાસાઇ રહ્યા છે.

વન વિભાગના સચિવે જણાવ્યું હતું કે ૧૦૦થી વધુ કર્મીઓની ટીમ સચિવાલયમાં તપાસ કરી રહી છે. વન વિભાગના બીટગાર્ડ, કર્મચારીઓને આધુનિક સાધનો સાથે સચિવાલયમાં મૂકવામાં આવ્યા છે. ગાંધીનગર વાઇલ્ડ લાઇફ એરિયા ગણવામાં આવે છે. કેટલાક વિસ્તારમાં દીપડા ફરતા હોય છે. કોઇ દીપડો પોતાનું સ્થાન છોડી રહેણાક વિસ્તારમાં ઘૂસી આવતાં આવી ઘટના બનવા પામી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે મોડી રાતે દીપડો ઘૂસવાની માહિતી મળતાં પોલીસ ટીમ પણ સચિવાલય પહોંચી ગઇ હતી. લોકોની સુરક્ષા ધ્યાને રાખી સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે, જ્યાં સુધી દીપડો પકડાશે નહીં ત્યાં સુધી કોઇને પણ સચિવાલયમાં પ્રવેશ અપાશે નહીં.

વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ દીપડાને શોધવા કામે લાગી છે. જેમ બને તેમ જલદી દીપડાને શોધી તેને પકડી લેવામાં આવશે.

You might also like