હિમાચલ વિધાનસભામાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો

નવી દિલ્હી: દેશભરમાં ગાય માતાના નામ પર ચાલી રહેલી રાજનીતિની વચ્ચે હિમાચલ પ્રદેશની વિધાનસભાએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગઈ કાલે ધર્મશાળામાં આયોજિત વિધાનસભા સત્ર દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. વિધાનસભા તરફથી હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

આ પહેલાં ઉત્તરાખંડે આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માગણીનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવને કોંગ્રેસ ધારાસભ્ય અનિરુદ્ધસિંહે વિધાનસભામાં રજૂ કર્યો હતો, તેને સત્તાધારી ભાજપના તમામ ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.

ગાયને રાજકીય મુદ્દો ન બનાવવાની વાત પર ભાર આપતાં અનિરુદ્ધસિંહે કહ્યું હતું કે ગાયને કોઈ જાતિ, ધર્મ કે પક્ષમાં વિભાજિત ન કરી શકાય.

ગાયનું માનવતાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન છે.
સિંહે કહ્યું કે ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે લોકો તેને ખુલ્લી છોડી દે છે. તેથી આ પ્રકારનાં પગલાં ભરવાની જરૂર છે એટલું જ નહીં, તેમણે ગાયના નામ પર હિંસા અને મોબલિંચિંગને રોકવા માટે પગલાં ભરવાની જરૂર પણ જણાવી હતી.

ઉલ્લેખનીય છે કે ૧૬ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ હિમાચલ પ્રદેશના સિમરોલ જિલ્લામાં ગૌતસ્કરીના કેસમાં ઉત્તર પ્રદેશના એક યુવકને ટોળાએ માર મારીને પતાવી દીધો હતો.

You might also like