ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ કરવાના બદલે એપ્રિલથી જુલાઇ સુધીના ચાર માસ માટેના સરકારના વહીવટીખર્ચ અને ચાલુ યોજનાના ખર્ચની મંજૂરી માગતું લેખાનુદાન રજૂ કરાયું હતું.

દરમિયાન છેલ્લાં બે વર્ષથી અમદાવાદ અને મુંબઇ વચ્ચે શરૂ થયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને એક માત્ર અમદાવાદ શહેર અને ખેડા જિલ્લામાંથી જ ૪૩ વાંધા ફરિયાદ મળી ચૂકી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આડે દસક્રોઇ મણિનગર, સાબરમતી, અસારવા, ઘાટલોડિયા અને વટવા વિસ્તારના લોકોએ ૧પ ફરિયાદ નોંધાવી છે. જેમાં ખેડા જિલ્લાની મળીને કુલ ૪૩ ફરિયાદ તંત્રને મળી છે.

વિધાનસભા ગૃહમાં નાણાં પ્રધાન નીતિન પટેલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાબતે જણાવતાં કહ્યું હતું કે અત્યાર સુધી ખેડૂતોએ ૧૧૧૦ પ્લોટ સંપાદન કરવામાં સહકાર આપ્યો છે. કુલ ૬ર૦ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેર અને ખેડાની મળીને કુલ ૧૦પ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે સરકાર ભલે જાહેરાત કરે કે ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદનમાં બજાર કિંમતનું ચાર ગણું અને શહેરી વિસ્તારમાં બજાર કિંમતનું બે ગણું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે.પરંતુ આ વાત છેતરામણી છે સરકાર બજાર ભાવ નહીં પણ જંત્રી ભાવ ચૂકવતી હોવાના કારણે જમીન સંપાદનમાં અડચણો ઊભી થઇ રહી છે. કારણ કે બજાર કરતાં જંત્રી ભાવ ઓછા છે. અને સરકાર પોતે વળતર પણ નક્કી કરે અને જંત્રી ભાવ પણ પોતે જ નક્કી કરે આવી બેવડી નીતિના કારણે બુલેટ ટ્રેનમાં અડચણ આવી રહી છે.

You might also like