GSTમાં ટેક્સરાહતની ચીજવસ્તુની યાદી ઘટી શકે છે

નવી દિલ્હી: જીએસટીમાં ટેક્સમાં રાહત આપતી ચીજ વસ્તુની યાદીમાં ઘટાડો થઇ શકે છે. એક્સાઇઝ ડ્યૂટીમાં રાહત આપતી ૩૦૦ ચીજ વસ્તુની યાદીમાં ઘટાડો કરી ૯૦ કરવાની સરકાર યોજના બનાવી રહી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ચા, કોફી, પાપડ, ટોસ્ટ, કેટલીક દવા જેવી કેટલીક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં એક્સાઇઝ ડ્યૂટીમાં અપાતી રાહત પાછી ખેંચાઇ શકે છે. એટલે કે જીએસટીની અમલવારી બાદ આ ચીજ વસ્તુઓ મોંઘી થઇ શકે છે. જ્યારે કેટલીક ચીજ વસ્તુ ઉપર રાહત ચાલુ રહી શકે છે, જેમાં બ્રેડ, ઈંડાં, અનાજ, પુસ્તક, મીઠું સામેલ છે.

સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ટેક્સમાં રાહત આપતી ચીજ વસ્તુઓની હાલ યાદી છે તે યાદી નાની કરવામાં આવી રહી છે. હાલ એક્સાઇઝમાં ૩૦૦ ચીજ વસ્તુને રાહત આપવામાં આવે છે. રાહત આપતી ચીજ વસ્તુની યાદીમાં ઘટાડો કરી માત્ર ૯૦ ચીજ વસ્તુ ઉપર જ નવી ટેક્સ સિસ્ટમમાં રાહત મળી શકે છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૧-૧૨માં એક્સાઇઝ ડ્યૂટીમાં રાહત અપાતી હોય તેવી યાદીમાં ૪૦૦ ચીજ વસ્તુ હતી, પરંતુ તેમાં ઘટાડો થઇ માત્ર ૩૦૦ ચીજ વસ્તુને એક્સાઇઝમાં રાહત મળે છે. હવે સરકારે આ યાદીમાં ઘટાડો કરી માત્ર ૯૦ ચીજ વસ્તુને જ રાહત આપવાની કવાયત હાથ ધરી છે.

You might also like