પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે: ભાજપે પહેલી યાદીમાં યુપીના છ સાંસદનાં નામ કાપ્યાં

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ધૂળેટીની સાંજે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદીમાં ઉત્તરપ્રદેશના ૨૮ ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપે યુપીના છ વર્તમાન સાંસદોનાં નામ કાપતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમાં કેન્દ્રિય પ્રધાન કૃષ્ણરાજ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન રામશંકર કઠેરિયા પણ સામેલ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને રાજનાથસિંહ લખનૌની તેમની જૂની બેઠક પરથી જ ફરી એક વખત લોકસભા ચૂંટણી લડશે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમની વર્ષો જૂની ગાંધીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી. તેમના સ્થાને ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. ભાજપે ‘હાઈપ્રોફાઈલ’ ગણાતી અમેઠી લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને ફરીથી એક વખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે મેદાનમાં ઉતાર્યાં છે.

ક્યા-ક્યા સાંસદોનાં પત્તાં કપાયાં?
મોદી સરકારમાં કૃષિ રાજ્યપ્રધાન અને શાહજહાંપુરથી લોકસભાના સાંસદ કૃષ્ણારાજનું નામ કાપીને અરુણ સાગરને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ આગ્રાના વર્તમાન સાંસદ અને અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ રામશંકર કઠેરિયાની ટિકિટ કાપીને પ્રદેશ સરકારના પ્રધાન એસ.પી. બઘેલને મોકો આપવામાં આવ્યો છે. સંભલના સાંસદ સતપાલ સૈનીનું પત્તું કપાયું છે અને તેમના સ્થાને પરમેશ્વર સૈનીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હરદોઈથી અંશુલ વર્માની જગ્યાએ જયપ્રકાશ રાવતને ઉમેદવાર બનાવાયા છે. મિશ્રિખના સાંસદ અંજુબાલાની જગ્યાએ અશોક રાવતને ટિકિટ આપવામાં આવી છે. ફતેહપુર સિકરીથી સાંસદ ચૌધરી બાબુલાલની ટિકિટ કાપીને રાજકુમાર ચહરને ઉમેદવાર બનાવાયા છે. જે છ સાંસદોની ટિકિટ કપાઈ છે તેમાં ચાર અનુસૂચિત જાતિ અને બે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આવે છે.

નવા ઉમેદવાર કોને બનાવાયા?
ભાજપની ગુરુવારે સાંજે જારી કરવામાં આવેલી પહેલી યાદીમાં કૃષ્ણારાજ (શાહજહાંપુર, અનામત) અને રામશંકર કઠેરિયા (આગ્રા, અનામત) ઉપરાંત અંશુલ વર્મા (હરદોઈ, અનામત), બાબુલાલ ચૌધરી (ફતેહપુર સિકરી), અંજુબાલા (મિશ્રિખ, અનામત) અને સત્યપાલસિંહ (સંભલ)ના પત્તાં કાપવામાં આવ્યાં છે. આ બેઠકો પર જે નવા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં એસ.પી. સિંહ બઘેલ (આગ્રા), પરમેશ્વરલાલ સૈની (સંભલ), રાજકુમાર ચહર (ફતેહપુર સિકરી), જયપ્રકાશ રાવત (હરદોઈ), અશોક રાવત (મિશ્રિખ) અને અરુણ સાગર (શાહજહાંપુર)નો સમાવેશ થાય છે.

ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા બેઠક છે અને હાલ ભાજપની કેન્દ્રિય નેતાગીરી યુપી પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બાકીની બેઠકોનાં ઉમેદવારોની જાહેરાત પણ બહુ જલ્દી કરવામાં આવશે તેવું પક્ષના સૂત્રોએ જણાવ્યું છે.

‘હાઈપ્રોફાઈલ’ બેઠકો પરના ભાજપના આ છે ઉમેદવારો
કેન્દ્રિય પ્રધાન જે.પી. નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા ચૂંટણી માટે ૧૮૪ ઉમેદવારોનાં નામની પહેલી યાદી ગુરુવારે સાંજે જારી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. ગૃહપ્રધાન રાજનાથસિંહ તેમની ગઢ ગણાતી લખનૌ બેઠક પરથી અને નીતિન ગડકરી નાગપુરથી મેદાનમાં ઊતરશે.
સ્મૃતિ ઈરાની અમેઠીથી ફરી એક વખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પડકાર ફેંકશે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને ૧,૦૭,૯૦૩ મતથી હરાવ્યાં હતાં. ગાઝિયાબાદથી વી.કે. સિંહ, બાગપતથી સત્યપાલસિંહ, મથુરાથી હેમામાલિનીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે.

રાજસ્થાનના જોધપુરથી ગજેન્દ્રસિંહ શેખાવત, બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ, ઝાલાવાડથી દુષ્યંતસિંહને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળથી ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ મદિનીપુર, કેન્દ્રિય પ્રધાન બાબુલ સુપ્રિયો આસનસોલથી ચૂંટણી લડશે. અરુણાચલ વેસ્ટથી કિરણ રિજિજૂ, ઘારવાડથી પ્રહલાદ જોશી અને તિરુવનંતપુરમથી કે. શેખરનને ટિકિટ આપવામાં આવી છૈ. કન્યાકુમારીથી પી. રાધાકૃષ્ણન લડશે અને ઉધમપુરથી જિતેન્દ્રસિંહને ટિકિટ અપાઈ છે.

સાક્ષી મહારાજને ટિકિટ મળી
ભાજપે ઉન્નાવથી વર્તમાન સાંસદ સાક્ષી મહારાજને ફરી એક વખત એ જ બેઠક પરથી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ સાક્ષી મહારાજે ધમકીભર્યા અંદાજમાં ભાજપના નેતૃત્વને ચેતવણી આપી હતી કે, જો તેમને ફરી એક વખત ઉન્નાવ બેઠક પરથી ટિકિટ આપવામાં નહીં આવે તો તેનાં પરિણામ ખૂબ ખરાબ આવશે.

ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કામાં ૧૧ એપ્રિલે જે લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે તેમાં બાગપત, બિજનૌર, ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર અને કૈરાનાનો સમાવેશ થાય છે. ભાજપે હજુ કૈરાના બેઠકના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ બેઠક પર ભાજપ પેટા ચૂંટણી હાર્યો હતો.

You might also like