ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં મચી ભાગદોડઃ ૧૦૦૦ પ્રશંસકો ઘાયલ

રોમઃ ઇટાલીના તુરીન શહેરમાં રિયલ મેડ્રિડ સામેની ચેમ્પિયન્સ લીગની ફાઇનલ મેચ જોવા માટે એકઠા થયેલા જુવેન્ટ્સના સમર્થકો વચ્ચે બોમ્બની અફવા ફેલાયા બાદ મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૧૦૦૦ ફૂટબોલ પ્રેમીઓ ઘાયલ થઈ ગયા, જેમાંથી સાતની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. આ દુર્ઘટના પિયાજા સાન કાર્લો સ્ક્વેરમાં એલાર્મ વાગવાથી સર્જાઈ હતી.

અહેવાલો અનુસાર પાર્કિંગની સીડીઓની રેલિંગ ધસી પડવાની ઘટનાને કેટલાક લોકોએ વિસ્ફોટ સમજી લીધો અને તેના કારણે લોકોમાં ભાગદોડ મચી ગઈ. એ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થઈ ગયા. મેચ જોવા આવેલા પ્રશંસકોએ પોતાનો જીવ બચાવવા સ્ટેડિયમની બહાર નીકળવા દોટ મૂકી હતી.

આ ઘટના બાદ સુરક્ષા દળો અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી જઈને સ્થિતિ થાળે પાડવાની કોશિશ કરી હતી. એલાર્મ વાગ્યા બાદ મોટા ભાગના પ્રશંસકો બહાર ચાલ્યા ગયા હતા અને બહુ થોડો લોકો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલના અંત સુધી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આ મેચ રિયલે જુવેન્ટ્સને ૪-૧થી માત આપીને જીતી લીધી હતી.

http://sambhaavnews.com/

You might also like