ચૂંટણી ટાણે ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવા અવનવા કીમિયા અજમાવતા બુટલેગરો

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં યેનકેન પ્રકારે વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવા બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અજમાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વલસાડ, થરાદ અને દાહોદ નજીક પોલીસે રૂ.૬પ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.

આ અંગેની મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલે અગાઉથી મળેલી બાતમીના આધારે વલસાડ નજીક હાઇવે પરથી એક કન્ટેનર ઝડપી લઇ તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના દાણાની આડમાં રાજકોટ લઇ જવાતો રૂ.૧૩ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જ્યારે ગત મોડી રાત્રે થરાદ ચેકપોસ્ટ નજીક પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલ એક ટેલરને ઝડપી લઇ ઝડતી કરતા તેમાંથી લોખંડના ભૂકા નીચે છુપાવેલો રૂ.ર૧ લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો ભરેલી સંખ્યાબંધ પેેટીઓ મળી આવી હતી. પોલીસે ટેલર સહિત રૂ.૩પ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખસોની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત દાહોદ નજીક પુંસરી આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પણ પોલીસે મકાઇનું ભૂસું ભરેલ એક ટ્રક ઝડપી લઇ ભૂસાની આડમાં છૂપાવેલ રૂ.૩૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બે શખસની ધરપકડ કરી હતી.

You might also like