દિવાળીના તહેવારમાં અમદાવાદ લવાતો દારૂ ઝડપાયો, લક્ઝરી બસના ક્લીનરની ધરપકડ

અમદાવાદ: દિવાળીના તહેવારમાં પણ દારૂની ખૂબ માગ રહેતી હોય છે. તે દરમ્યાનમાં કમાણી કરી લેવા બુટલેગરો મોટી માત્રામાં દારૂનો જથ્થો લાવતા હોય છે. ગાંધીનગરની અડાલજ પોલીસે બાતમીના આધારે શેરથા ટોલટેક્સ પાસેથી લક્ઝરી બસ અને રાજસ્થાન પરિવહન નિગમની બસમાંથી અમદાવાદ લાવવામાં આવતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અડાલજ પોલીસે લકઝરી બસના ક્લીનરની ધરપકડ કરી છે. દારૂની હેરાફેરી બદલ ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તહેવારો દરમ્યાન બહારનાં રાજ્યમાંથી અમદાવાદ સ‌િહત અન્ય શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને તેમને પકડવા પોલીસની ટીમ સક્રિય છે. અડાલજ પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક રાજસ્થાન પાસિંગની લકઝરી બસમાં દારૂની જથ્થો છુપાવી અમદાવાદ લઇ જવામાં આવી રહ્યો છે.

જેના આધારે પોલીસે મહેસાણા અમદાવાદ હાઈવે રોડ પર શેરથા ટોલટેક્સ પાસે વોચ ગોઠવી અને ટોલટેકસે બસ આવતાં તેને રોકી હતી. પોલીસે બસ ઊભી રખાવતાં બસચાલક નાસી ગયો હતો જયારે કલીનરને પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસે બસની ડેકીમાંથી ૧.૧૭ લાખનો દારૂ જપ્ત કર્યો હતો. જયારે શેરથા કસ્તૂરીનગર સર્વિસ રોડ પર અડાલજ પોલીસે રાજસ્થાન પરિવહન નિગમની બસને રોકી તપાસ કરતાં પ૪,૪૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે લકઝરીના ક્લીનર શંકર ચેનારામ દેવાસીની (રહે. પાલી, રાજસ્થાન) ધરપકડ કરી છે. જ્યારે ડ્રાઇવર વીરા સદારામ ફરાર થઈ ગયો છે. અડાલજ પોલીસે બંને ગુના દાખલ કરી કુલ રૂ.૧.૭ર લાખની કિંમતનો દારૂ જપ્ત કરી મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.

You might also like