પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. એક ભાઇએ તેના પુત્રો અને સાળા સાથે મળીને બીજા ભાઇ અને તેના ત્રણ પુત્રો પર તલવારો વરસાવી હતી. જાહેર રોડ પર બનેલી આ ઘટનામાં ત્રણ સગાભાઇઓને ગંભીર ઇજા પહોંચી હતી.

રખિયાલમાં આવેલ પંડિતજીની ચાલીમાં રહેતા સરફરાજખાન પઠાણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. સરફરાજખાનને તેના કાકા આયુબખાન, તેના પુત્રો મોહસીનખાન, યાસિનખાન અને આઝમખાન સાથે મિલકતને લઇને છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલે છે.

સરફરાજખાનના પિતાનું રખિયાલમાં પાન પાર્લર આવેલું છે. તેના ઉપરના માળે તેના ભાઇની દુકાન આવેલી છે. સરફરાજખાનની દુકાનની બાજુમાં કાકાની સાકાર વૂડ વર્ક નામની દુકાન છે. આ પ્રોપર્ટીને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક મહિના પહેલા સરફરાજખાનનો તેના કાકા અને પિતરાઇ ભાઇઓ સાથે ઝઘડો થયો હતો.

કાલે સાંજે સાતેક વાગ્યાની આસપાસ સરફરાજખાન અને તેના પિતા મોહંમદ હનીફ દુકાન પાસે ઊભા હતા ત્યારે મોહસીનખાન, અગાઉના ઝઘડાની અદાવત રાખીને આવ્યો હતો અને બીભસ્ત ગાળો બોલવા લાગ્યો હતો. દરમિયાનમાં આઝમખાન હાથમાં બે તલવાર લઇને આવ્યો હતો.

આઝમે એક તલવાર મોહસીનને આપી હતી જ્યારે અયુબખાનનો સાળો સિતારખાન પણ મહેસાણાથી આવ્યો હતો. ત્રણેય જણાએ સરફરાજખાન અને તેના પિતા પર હુમલો શરૂ કરી દીધો હતો. મોહસીન અને આઝમે તેની પાસે રહેલી તલવાર સરફરાજખાન પર હુલાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં સરફરાજખાનનો ભાઇ ફિરોઝ અને યાસિન આવી ગયા હતા. યાસિને તેની પાસે રહેલી તલવાર ફિરોઝના માથા પર મારી હતી. જ્યારે સરફરાજખાનના બીજા ભાઇ રફીકને કાનમાં તલવારનો ઘા વાગ્યો હતો.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોચી ગઇ હતી અને ઇજાગ્રસ્ત સરફરાજખાન, ફિરોઝ, અને રફીકને સારવાર માટે હોસ્પિટલમાં માટે લઇ ગયા હતા.

You might also like