ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો વધુ ધોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે ડોલર સામે રૂપિયામાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. શરૂઆતે વધુ સાત પૈસા તૂટી રૂપિયો ૬૭.૩૩ પૈસાની સપાટીએ ખૂલ્યો હતો. ડોલરમાં જોવા મળી રહેલી ખરીદીના આકર્ષણના પગલે એક તબક્કે રૂપિયો ૬૭.૩૮ પૈસાની સપાટીએ પહોંચી ગયેલો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો ૩૫૧ પૈસા એટલે કે ૫.૪૯ ટકા તૂટી ચૂક્યો છે. ફોરેક્સ બજારના જાણકારોના કહેવા પ્રમાણે ક્રૂડના ભાવમાં જે રીતે ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે તથા ડોલરની ખરીદી, નિકાસ સામે વધતી આયાતના પગલે રૂપિયામાં વધુ ઘટાડાની ચાલ જોવા મળી શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે.

દરમિયાન રૂપિયાના મૂલ્યમાં ધોવાણ થતા આરબીઆઇ દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરાઇ છે. ફુગાવો વધવાની ભીતિ પણ વ્યક્ત કરાઇ રહી છે.

રૂપિયો તૂટતાં શું અસર પડશે?
• ડોલર સામે રૂપિયો તૂટતાં સોનાની તથા ક્રૂડની આયાત પડતર મોંઘી થતાં સોનાના ભાવ તથા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાનો ભય
• ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ તથા આયાતો વધુ મોંઘી થશે.
• નિષ્ણાતો દ્વારા ફુગાવો વધવાનો ભય સેવાઈ રહ્યો છે.
• રૂપિયાની નરમાઇના પગલે વિદેશની મુલાકાત અને પ્રવાસ મોંઘા બનશે.
• જોકે ડોલરની મજબૂતાઇના પગલે નિકાસકારોને સીધો ફાયદો થશે.

You might also like