અમદાવાદ શહેરમાં કાલે ‘મતપર્વ’ વખતે વાતાવરણ રહેશે ખુશનુમા

અમદાવાદ: પ્રથમ તબક્કાના મતદાન વખતે ઓખી ઇફેકટના કારણે મતદાનના રંગમાં થોડો ભંગ પડયો હતો. સૌરાષ્ટ્ર અને દ‌િક્ષણ ગુજરાતના તટિય વિસ્તારમાં ઓખી વાવાઝોડાએ દહેશત ઊભી કરી હતી. અમદાવાદમાં પણ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. હજુ ગયા સોમવારે શહેરીજનોએ અનેક વિસ્તારમાં હળવો વરસાદ અનુભવ્યો હતો.

જોકે આવતી કાલના બીજા તબક્કાના મતદાનના દિવસે અમદાવાદીઓ ખુશનુમા વાતાવરણમાં મતદાન કરી શકશે.
ગયા શનિવારે પ્રથમ તબક્કાની કુલ ૮૯ બેઠક માટે મતદાન યોજાયું હતું. જોકે ઓખી વાવાઝોડાને પગલે પ્રથમ તબક્કાના મતદાનમાં ઓછું મતદાન થયું હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાયું હતું. અમદાવાદમાં ઓખી ઇફેકટથી હાશકારો મેળવતાં લોકોને ગયા સોમવારે ફરીથી હળવા વરસાદને સહન કરવો પડયો હતો. મોસમે મિજાજ બદલતાં લોકો આશ્ચર્યચકિત થયા હતા.

દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી કહે છે કે આજે શહેરમાં ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. આવતી કાલે શહેરમાં લઘુતમ તાપમાન ૧ર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાશે અને ગરમીનો પારો સહેજ ઊંચકાઇને ર૭ ડિગ્રીએ પહોંચશે. આવતી કાલે શહેરનું આકાશ સ્વચ્છ રહેશે.

You might also like