ત્રણ મુખ્યપ્રધાનની શપથવિધિમાં કોંગ્રેસ ‘શક્તિ પ્રદર્શન’ કરશે

નવી દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યપ્રધાનના શપથવિધિ સમારોહ ૧૭ ડિસેમ્બર, સોમવારે યોજાશે. ઉલ્લેખનીય છે કે હિન્દી બેલ્ટના ત્રણ સૌથી મહત્ત્વના રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કટ્ટર હરીફ ભાજપના હાથમાંથી સત્તા છીનવી લીધા બાદ કોંગ્રેસ સામે સૌથી મોટો પ્રશ્ન આ ત્રણ રાજ્યના સીએમ નક્કી કરવાનો ઊભો થયો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનમાં સચીન પાઈલટને મનાવીને કમલનાથ અને અશોક ગેહલોતને મુખ્યપ્રધાન બનાવવામાં સફળતા મળી છે પણ હજુ છત્તીસગઢમાં કોકડું ગૂંચવાયેલું જ છે. આજ સાંજ સુધીમાં છત્તીસગઢના સીએમનું નામ પણ જાહેર થઈ જવાનું છે.

ત્રણ રાજ્યમાં શપથવિધિ સમારોહના બહાને કોંગ્રેસ વિપક્ષી દળો સાથે મળીને જોરદાર શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ભાજપ અને મોદીનો વિરોધ કરતા તમામ રાજકીય પક્ષોને આ શપથવિધિ સમારોહમાં આમંત્રણ અપાશે અને તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં ત્રણેય રાજ્યના સીએમ શપથ લેશે.

રાજસ્થાનના જયપુરમાં સવારે ૧૦.૦૦ વાગ્યે, એમપીના ભોપાલમાં બપોરે ૧.૩૦ કલાકે અને છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સાંજે ૬.૦૦ વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. આ સમારોહમાં સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

વર્ષ ર૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ આ શપથવિધિ સમારોહના પ્લેટફોર્મનો ઉપયોગ કરી દેશની જનતા સુધી તેમનો સંદેશો પહોંચાડવા ઈચ્છે છે. આ માટે જ ભાજપના વિરોધી હોય તેવા તમામ રાજકીય પક્ષોના ચીફને આમંત્રણ આપવામાં આવ્યાં છે.

You might also like