ખેડૂતની જમીન પચાવી પાડવાના કેસમાં ભૂમા‌ફિયાને સાત વર્ષની સજા

અમદાવાદ: અમદાવાદના મોટેરા ગામની પાછળ આવેલા અને ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા કોટેશ્વર ગામમાં ખેડૂતની જમીન પચાવી પાડવાના કેસમાં ગાંધીનગર ડિસ્ટ્રિકટ કોર્ટના છઠ્ઠા એ‌ડિશનલ ચીફ જ્યુડિશિયલ મે‌જિસ્ટ્રેટે નરોડા વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય ભૂમાફિયા પરસોતમદાસ ચિમનાણીને ગુનેગાર ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે.

મળતી માહિતી મુજબ આરોપી પરસોતમદાસ ચીમનાણીએ ગાંધીનગરના કોટેશ્વરના ખેડૂતની ૧૧ વીઘા જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ગાંધીનગર તાલુકાના કોટેશ્વર ગામે ૧૧ વીઘા જમીન ધરાવતા રામાજી છોટાજી ઠાકોરએ વર્ષ ર૦૦પમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં નરોડા પા‌ટિયા પાસેની નવદુર્ગા સોસાયટીમાં રહેતા પરસોતમદાસ ચીમનાણી સામે વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

ફ‌રિયાદીના વકીલ કરણસિંહના જણાવ્યા અનુસાર આરોપી પરસોતમદાસે જમીન મા‌લિક રામાજીની જમીનના બોગસ કાગળ ઊભા કરીને ફ્રોડ પાવર ઓફ એટર્ની મૃતક વ્યક્તિની ઉપજાવી કાઢીને પોતાના જ નામે ગેરકાયદેના વેચાણ દસ્તાવેજ ઉપજાવી કાઢ્યા હતા.

કોટેશ્વરની જમીનના કેસમાં મે‌જિસ્ટ્રેટ આર. ડી. મહેતાએ વકીલની દલીલો, દસ્તાવેજી પુરાવા, તપાસ અધિકારીની જુબાની તથા સાહેદોને તપાસીને આરોપી પરસોતમદાસને આઇપીસી ૪૦૬માં એક વર્ષની સાદી સજા-રૂ. પાંચ હજારના દંડ સહિત સાત વર્ષની સાદી કેદ તથા દસ હજારનો દંડ ફટકાર્યો છે.

એડ્વોકેટ કરણસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર આરોપી સામે આ પ્રકારના અન્ય કેસ પણ જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યા છે.

ગાંધીનગર તથા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના અભણ અને કાયદાના અજ્ઞાન ખેડૂતોને લલચાવી-ફોસલાવીને બોગસ દસ્તાવેજો ઊભા કરતો હતો. રાયસણની જમીનમાં પણ બોગસ ખેડૂત ખાતેદાર થવા રેકોર્ડ સાથે ચેડાં કરવાનો કેસ પણ નોંધાયેલો છે અને તે મેટર કોર્ટમાં ચાલુ છે.

જમીન હડપ કરવાના વારંવાર કૃત્ય મુદ્દે ખેડૂતો એકત્ર થઇને તડીપાર તથા પાસા કરવા જિલ્લા પોલીસવડા તથા કલેક્ટરને મળીને રજૂઆત કરશે.

You might also like