બ્રિટિશ સંસદમાં બ્રેક્ઝિટ ડીલ ભારે બહુમતીથી ફગાવાઈ: ગમે તે ઘડીએ PM થેરેસા મેનું રાજીનામું

લંડન: બ્રેક્ઝિટ એટલે કે યુરોપીય સંઘમાંથી બ્રિટનના અલગ થવાની વડા પ્રધાન થેરેસા મેની યોજનાને સંસદની મંજૂરી મળી શકી નથી. થેરેસા મેના બ્રેક્ઝિટના પ્રસ્તાવને હાઉસ ઓફ કોમન્સમાં ભારે બહુમતીથી ફગાવી દેવામાં આવ્યો છે. ૪૩૨ સાંસદમાંથી ફક્ત ૨૦૨ સાંસદનું સમર્થન થેરેસા મેને મળ્યું છે.

ડીલની વિરુદ્ધમાં ૨૩૨ વોટ પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ સંસદમાં બહુમતીનો જાદુઈ આંકડો ૨૩૦નો છે. આ સંસદમાં કોઈ પણ બ્રિટિશ પીએમની અત્યાર સુધીની સૌથી મોટી કારમી હાર માનવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૦૦થી વધુ સાંસદે પણ તેમની વિરુદ્ધ વોટ આપ્યો હતો.

બ્રિટિશ પીએમ થેરેસા મેની આ ઐતિહાસિક હાર બાદ વિપક્ષી લેબર પાર્ટીએ સરકાર સામે અવિશ્વાસ મતનો પ્રસ્તાવ આપ્યો છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને જણાવ્યું કે, વડા પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ ડીલ ભારે બહુમતીથી ફગાવાઈ ગઈ છે અને આ કારણે સરકારે સદનનો વિશ્વાસ ગુમાવી દીધો છે. બ્રિટિશ સંસદે થેરેસા મેની બ્રેક્ઝિટ ડીલને ફગાવી દેતાં હવે કોઈ પણ ઘડીએ પીએમ થેરેસા રાજીનામું આપે તેવી પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, બ્રેક્ઝિટ માટે ૨૯ માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. હજી તેમાં બે મહિનાનો સમય બાકી છે. હવે બ્રિટિશ સંસદમાં બ્રેક્ઝિટ પ્રસ્તાવ પસાર ન થવાની સ્થિતિમાં બ્રિટનની યુરોપીય સંઘ છોડવાની યોજના પણ ખોરંભે ચડી શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, બ્રિટન સરકાર હવે બ્રેક્ઝિટ માટે વધારાનો સમય માગે તેવી પણ એક શક્યતા છે.

વડા પ્રધાન થેરેસા મેને આમ તો બ્રેક્ઝિટ ડીલ પ્રસ્તાવ પર મતદાન પહેલાં જ કારમી હારનો ડર હતો અને આ કારણે જ તેમણે અગાઉ પણ એક વખત મતદાન મુલતવી રખાવ્યું હતું. તેઓ સતત સાંસદોને આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લગભગ ૧૮ મહિના સુધી ચાલેલી મંત્રણા પ્રક્રિયા બાદ નવેમ્બર મહિનામાં યુરોપીય સંધની સાથે બ્રેક્ઝિટ ડીલ પર સહમતી સધાઈ હતી. ડિસેમ્બરમાં ડીલ અંગે હાઉસ ઓફ કોમન્સમાં મતદાન થવાનું હતું, પરંતુ હારના ડરથી થેરેસા મેએ આ મતદાન ટાળ્યું હતું.

પીએમ થેરેસા મે જો બ્રેક્ઝિટ પ્રસ્તાવ ફગાવાયો હોવા છતાં પણ ૨૯ માર્ચે યુરોપીય સંઘથી અલગ થવાની યોજનાનો અમલ કરે તો તેનાથી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન થશે અને વૈશ્વિક બજારમાં બ્રિટનની ધાક પણ નબળી પડશે.

સંસદના નિયમ અનુસાર થેરેસા મે પ્રસ્તાવ પસાર કરાવવામાં નિષ્ફળ ગયા બાદ હવે ત્રણ દિવસની અંદર તેમણે પોતાની આગામી રણનીતિ જાહેર કરવી પડશે અને નવો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવો પડશે. ડિસેમ્બરમાં લાવવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવમાં થેરેસા મે વિરુદ્ધ કુલ ૩૧૭ વોટ પડ્યા હતા, જેમાંથી તેમના પક્ષના ૧૧૭ સાંસદ પણ સામેલ હતા. આવી સ્થિતિમાં પ્રસ્તાવ પર કારમી હાર મળ્યા બાદ પીએમ થેરેસા મે પર રાજીનામું આપવાનું દબાણ ખૂબ વધી ગયું છે.

You might also like