ભાજપમાં 3-કોંગ્રેસમાં 12 બેઠક માટે છેલ્લી ઘડી સુધી મથામણ

અમદાવાદ: ભાજપે ૨૬ લોકસભા બેઠકમાંથી ૨૩ બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ હજુય ત્રણ બેઠક પર ઉમેદવારોની પસંદગીને લઇને છેલ્લી ઘડીની મથામણ ચાલુ છે. અમદાવાદ પૂર્વ, મહેસાણા અને સુરતની બેઠકના ઉમેદવારોના મુદ્દે કોકડું ગૂંચવાયું છે.

હવે ઉમેદવારી કરવા માટે ગણતરીના દિવસો બાકી હોઈને આ બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત ભાજપ આજે મોડી સાંજ સુધીમાં કરે તેવી શક્યતા છે. અમદાવાદ પૂર્વમાં પાટીદાર અગ્રણી સી.કે.પટેલ અને બોલિવૂડ ગુજરાતી કલાકાર મનોજ જોશી વચ્ચે કાંટે કી ટક્કર છે.

મહેસાણાની બેઠક પર સાંસદ જયશ્રીબહેન પટેલનું પત્તું કપાઇ શકે છે. આ બેઠક પર હાઇકમાન્ડે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લડવા ઓફર કરી છે પણ તેમણે ઇન્કાર કરી દીધો છે. ડો.અનિલ પટેલ, પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ, કાંતિલાલ ખોડિયાર ગ્રૂપ જેવા અનેક નામો હાલ ચર્ચામાં છે.

સુરતમાં દર્શના જરદોશનું પણ પત્તું કપાઈ શકે છે. આ બેઠક માટે નીતિન ભજિયાંવાલાનું નામ મોખરે છે. આ ઉપરાંત જનક બગદાણા અને દર્શિની કોઠિયા પણ સ્પર્ધામાં છે. દરમિયાન કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગઇ કાલે મોડી રાતે મહેસાણા બેઠક પરથી નિવૃત્ત આઇએએસ એ.જે. પટેલના નામની જાહેરાત કરાઇ હતી. ભરૂચમાંથી અહમદ પટેલ, ભાવનગરથી શક્તિસિંહ ગોહિલ અને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને કોંગ્રેસ હાઇકમાન્ડ ચૂંટણી લડાવે તેવી ચર્ચા પણ ઊઠી છે.

જ્યારે જામનગર, દાહોદ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર બેઠક માટે નવાં નામ પણ ચર્ચાસ્પદ બન્યાં છે. અમદાવાદ (પૂર્વ)માંથી ભાજપે હજુ સુધી કોઇ ઉમેદવાર નિશ્ચિત ન કર્યો હોઇ આ બેઠક માટેનાં ચર્ચાતાં નામ રોહન ગુપ્તા, હિમાંશુ પટેલ પૈકી એક પણ નામ પર હજુ સુધી હાઇકમાન્ડે મત્તું માર્યું નથી. આ જ રીતે ગાંધીનગરમાં અત્યારે સી.જે. ચાવડા સૌથી વધુ ચર્ચાતું નામ છે, પરંતુ તેમના નામની સત્તાવાર જાહેરાતમાં વિલંબ થઇ રહ્યો છે.

You might also like