ભર બપોરે પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલી સોસાયટીમાં તસ્કરોનો તરખાટ

અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર સામે અાવેલ જ્યોતિકળશ સોસાયટીના એક બંગલામાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે અાવ્યો છે.  બંગલામાં રહેતો પરિવાર બપોરના સમયે નરોડા ખાતે લગ્ન પ્રસંગમાં ગયો ત્યારે ઉપરના માળે અાવેલા બેડરૂમની કાચની બારીની સ્લાઈડર ખોલી તસ્કરો ઘરમાં પ્રવેશ કરી રૂ. ૯.૩૦ લાખના સોના અને ડાયમંડના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અા ચોરી થઈ ત્યારે બંગલાની બહાર સિક્યોરિટી ગાર્ડ અને પાણીનો બોર ચાલુ કરવાવાળી વ્યક્તિ હાજર હતી. સેટેલાઈટ પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પ્રેરણાતીર્થ દેરાસરની સામે અાવેલી જ્યોતિકળશ સોસાયટીના ૧૦૪ નંબરના બંગલામાં કેશવચંદ્ર ભલ્લા (ઉં.વ. ૫૪) તેમના પરિવાર સાથે રહે છે. તેઅો પ્લા‌િસ્ટકની પાઈપના વાલ્વ બનાવતી કંપનીમાં ગુજરાત તેમજ મુંબઈના મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ કાલે નરોડા ખાતે લગ્ન પ્રસંગ હોઈ પરિવાર મકાન બંધ કરી ત્યાં ગયા હતા.

લગ્ન પ્રસંગમાં જતી વખતે સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ અને પાણીનો બોર ચાલુ કરવાવાળા જયંતીભાઈને બંગલાનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં બંગલાની પાછળના ભાગે બેડરૂમની બારીની સ્લાઈડર ખોલી તસ્કરો બંગલામાં પ્રવેશ્યા હતા અને લાકડાના કબાટમાંથી રૂ. ૯.૩૦ લાખના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા.

રાત્રે પરિવાર જ્યારે પરત ફર્યો ત્યારે બંગલામાંથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. બંગલાની બહાર સિક્યોરિટી ગાર્ડ તેમજ પાણીના બોર ચાલુ કરવાવાળીની હાજરીમાં ચોરી થતાં અનેક સવાલ ઊભા થયા છે. ઘટનાની જાણ સેટેલાઈટ પોલીસને થતાં પોલીસ દોડી અાવી હતી. પોલીસે બંનેની પૂછપરછ પણ કરી હતી, જોકે ચોરી સમયે તેઅો બંગલાની બહાર નીચે બેઠા હતા તેવું જણાવ્યું હતું.
પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like