એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનામાં મ્યુનિ. તિજોરીમાં રૂ.78.40 કરોડ ઠલવાયા

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા છેલ્લાં વીસ વર્ષથી પ્રોપર્ટી ટેકસના કરદાતાઓને જે તે નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓમાં ચાલુ વર્ષ સિવાયનાં બાકી વર્ષોનો પ્રોપર્ટી ટેકસ ભરપાઇ કરવા બદલ ટેકસ વ્યાજમાં સો ટકા સુધીની રાહત અપાતી હતી. જોકે આ સ્કીમને ગત વર્ષે પ્રથમવાર જ બંધ કરાઇ હતી. આ ઉપરાંત ટેકસ સીલિંગ ઝુંબેશમાં પૂરેપૂરો ટેકસ ભરનાર નાગરિકની ઓફિસ કે દુકાનના સીલ ખોલાતાં હતાં. તેમજ બીએસએનએલ જેવી સરકારી ઓફિસોને પ્રથમવાર તાળાં મરાયાં હતાં. આ બધા કારણોસર ચાલુ વર્ષે એડ્વાન્સ પ્રોપર્ટી ટેકસ રિબેટ યોજનામાં મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.૭૮.૪૮ કરોડ ઠલવાયા છે.

તંત્ર દ્વારા જે તે નાણાકીય વર્ષના પ્રારંભમાં અગાઉથી પ્રોપર્ટી ટેકસની ભરપાઇ કરનાર કરદાતાઓને પ્રોપર્ટી ટેકસના બિલમાં દસ ટકાની રાહત અપાય છે. એડ્વાન્સ પ્રોપર્ટી ટેકસ રિબેટ યોજના તરીકે ઓળખાતી આ યોજનાને તંત્ર દ્વારા ચાલુ રખાઇ છે. ગત તા.પ એપ્રિલ, ર૦૧૯થી આ યોજનાને અમલમાં મુકાઇ હોઇ તેની અંતિમ તારીખ આગામી તા.પ મે, ર૦૧૯ છે.

જોકે કરદાતાઓમાં ગત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ની તુલનાએ ચાલુ નાણાકીય ર્વષ ર૦૧૯-ર૦માં બમણાંથી વધારે ધસારો જોવા મળી રહ્યો છે. ગત નાણાકીય વર્ષમાં તંત્રએ ડિફોલ્ટર્સ સામે ભારે કડકાઇ દાખવતાં કરદાતાઓ એડ્વાન્સમાં પ્રોપર્ટી ટેકસ ભરવા ઉત્સુક બન્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આ યોજના હેઠળ તંત્રને ગઇ કાલ સુધીમાં મધ્ય ઝોનમાંથી રૂ.૯.૯૦ કરોડ, ઉત્તર ઝોનમાં રૂ.૪.૪૮ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ.૬.૮૦ કરોડ, પૂર્વ ઝોનમાં રૂ.૭.ર૯ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ.ર૧.૩૯ કરોડ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ.ર૮.પ૪ કરોડની આવક થઇ છે. ગત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ના આટલા સમયગાળામાં મ્યુનિસિપલ તિજોરીને માત્ર રૂ.૩૮.૯૪ કરોડની આવક થઇ હતી. જેની સામે ચાલુ વર્ષે રૂ.૭૮.૪૦ કરોડની આવક થઇ હોઇ ગત વર્ષની એપ્રિલની રૂ.૩૧૪.૧૯ કરોડની આવકને પણ આ વખતે પાર થઇને આશરે રૂ.૩પ૦ કરોડની આવક એપ્રિલમાં થાય તેવી શક્યતા છે.

You might also like