તમિળનાડુ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ-ડીએમકે સાથે મળીને લડશે

ચેન્નાઈ  :  ત્રણ વર્ષ અગાઉ સંબંધોમાં કડવાશને લીધે છૂટા પડેલા કોંગ્રેસ અને ડીએમકેએ  ફરીથી ભાગીદારી જીવંત કરતાં તમિળનાડુ વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડવા માટે આજે ગઠબંધનની જાહેરાત કરી હતી.  ચેન્નાઈમાં ડીએમકે પક્ષના રાજ્યના વડા એમ કરૂણાનિધિના નિવાસસ્થાને બેઠક બાદ કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ડીએમકે તમિળનાડુ વિધાનસભા ચૂંટણી ગઠબંધન રચીને લડશે.

આઝાદની પત્રકાર પરિષદમાં હાજર રહેલા ૯૨ વર્ષીય નેતાએ બેઠકનો ફોટો ટ્વિટ કર્યો હતો. તમિળનાડુ વિધાનસભાની ૨૩૪ બેઠકો માટે આ વર્ષે ચૂંટણી યોજાશે. મુખ્યપ્રધાન જયલલિતાના નેતૃત્વ હેઠળના શાસક પક્ષ એઆઈડીએમકેને પડકારવા માટે ગઠબંધન રચવાના પ્રયાસ માટે ડીએમકેએ વાટાઘાટો માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું હતું. આઝાદે જણાવ્યું હતું,’ અમે કરૂણાનિધિના નેતૃત્વ હેઠળ અન્ય પક્ષો સાથે મળીને નવી સરકાર રચીશું તે નિશ્ચિત છે.’ બંન્ને પક્ષો વચ્ચેની બેઠક એક કલાક સુધી ચાલી હતી.

કોંગ્રેસ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેવા પ્રશ્રના જવાબમાં આઝાદે કહ્યું હતું કે આ બાબત વિગતે ચર્ચા માટેની છે અને તે અંગે પછી નિર્ણય લેવાશે. સ્ટાલિને જણાવ્યું હતું કે સાથી તરીકે કયા અન્ય પક્ષોને લેવા તે અંગેનો નિર્ણય કોંગ્રેસે અમારા પક્ષ પર છોડ્યો છે. ગોપાલપુરમના નિવાસસ્થાને કરૂણાનિધિના દેખીતા વારસદાર એમ કે સ્ટાલિને આઝાદને આવકાર્યા હતા.બેઠકમાં રાજ્યસભાના સભ્ય કનિમોઝી પણ હાજર રહ્યા હતા.

૨૦૧૧માં વિધાનસભા ચૂંટણીમાં થયેલા ધબડકા અને તે પછી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં થયેલા સંપૂર્ણ સફાયા બાદ દક્ષિણ ભારતના પક્ષની પ્રતિષ્ઠાનું પતન થયું છે. એઆઈડીએમકેએ બંન્ને ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ૨૦૧૧માં વિધાનસભા ચૂંટણીમાં તેણે ૨૩૪ બેઠકો પૈકી ૧૫૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો.  ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેનો ૩૯ લોકસભા બેઠકો પૈકી ૩૭ પર વિજય થયો હતો.

બીજી બાજુ ડીએમકેને ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણીમાં ૨૩ બેઠકો મળી હતી . પરંતુ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેને એક પણ બેઠક મળી નહોતી. તમિળનાડુમાં કોંગ્રેસ લગભગ છેલ્લાં પાંચ દાયકાથી સત્તાવિહોણી રહી છે. કેન્દ્રની શાસક યુપીએ સરકારમાં ડીએમકે લગભગ નવ વર્ષ સુધી સહયોગી પક્ષ હતો. માર્ચ ૨૦૧૩માં તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો હતો.

કોંગ્રેસ નેતાઓને આશા છે કે ગઠબંધનને અગાઉ ૨૦૦૪,૨૦૦૬ અને ૨૦૦૯ની ચૂંટણીમાં જે  ભવ્ય વિજય મળ્યો હતો તેવો વિજય મળશે. ડીએમકે-કોંગ્રેસ યુતિએ ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ ૩૯ લોકસભા બેઠકો પર વિજય મેળવ્યો હતો અને ૨૦૦૬માં રાજ્યમાં સરકારની રચના પણ કરી હતી.  ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં ગઠબંધનનો દેખાવ એકંદરે સારો રહ્યો હતો અને ૨૮ બેઠકો જીતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં શ્રીલંકાના માનવ અધિકારના મુદ્દે મનમોહનસિંહ સરકારના વલણના વિરોધમાં ડીએમકેએ તેનો ટેકો પાછો ખેંચી લીધો હતો.

You might also like