હત્યારા પુત્ર: રાજકોટમાં પિતાની-તલોદના આંત્રોલી દોલજી ગામે માતાની હત્યા કરી

અમદાવાદ: રાજ્યના બે શહેરમાં પુત્રોએ માતા-પિતા નજીવી બાબતમાં મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના બની છે. રાજકોટમાં નજીવી બાબતે પુત્રે પિતાની અને સાબરકાંઠાના આંત્રોલી દોલજી ગામમાં દારૂડિયા પુત્રે માતાની હત્યા કરી નાખી હતી. બને બનાવમાં પોલીસે પુત્રની ધરપકડ કરી લાદીધી હતી.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના જામનગર રોડ પર વ્હોરા સોસાયટીના કોમ્યુનિટી હોલ સામે ગાંધી સોસાયટીની ઓરડીમાં પત્ની-સંતાનો સાથે રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી પ્રોૈઢ પૂર્ણબહાદુર સારકી (ઉ.૫૦)ને મંગળવારે મોડી રાત્રે તેના જ પુત્ર પ્રેમ સારકી (ઉ.૨૧)એ માથા અને મોઢા પર છરીના ઘા ઝીંકી પતાવી દેતાં ચકચાર મચી ગઇ હતી.

હત્યા બાદ પ્રેમ પિતાની લાશ પાસે જ બેસી રહ્યો હતો. માતાની નજર સામે જ તેણે આ હત્યા કરી હતી. પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પ્રેમ નેપાળીની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ તપાસમાં એવું ખુલ્યું હતું કે પૂર્ણબહાદુરે ઓરડીમાં પૈસા રાખ્યા હતાં તે ગાયબ થઇ ગયા હોઇ આ બાબતે તેણે પહેલા પત્ની મોતીસરા સાથે ઝઘડો કર્યો હતો. પુત્ર પ્રેમ બહારથી આવતાં તેને પૈસા માટે પૂછી ઝઘડો કરતાં ઉશ્કેરાયેલા પુત્રએ હત્યા નિપજાવી હતી. ગાંધીગ્રામ પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંત્રોલી દોલજી ગામમાં દારૂની લતે ચડેલા પુત્રએ જનેતાની હત્યા કરી હતી. પુત્રએ ધારિયા વડે માતાના ગળાના ભાગે ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી પુત્ર ફરાર થઇ ગયો હતો.

નશાખોર પુત્ર વારંવાર મારઝૂડ કરીને માતા પાસેથી રૂપિયા પડાવી લેતો હતો. માતા-પુત્ર વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. આરોપી  પુત્રને નશો કરવાની આદત હતી અને તેની મા પાસે દરરોજ પૈસાની માગણી કરતો હતો પરંતુ આ માતા જોડે આજે પૈસા ન હોવાથી માતા પુત્ર વચ્ચે ઝઘડો મોડી રાત્રે થયો હતો.

પુત્રએ ઉશ્કેરાઈ જઈ ઘારીયા વડે ગળાના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો. આજુબાજુમાં અવાજ આવતા સબંધીઓ દોડી આવ્યા અને પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like