જૂનાં વાહનોમાં HSRPની મુદત વધતાં લોકો ઉદાસીન બન્યા

અમદાવાદ: જૂનાં વાહનોમાં એચએસઆરપી (હાઈસિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવવાની મુદતમાં ચાર વાર વધારો કરવા છતાં આજે પણ પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી. એચએસઆરપી માટેની આખરી મુુદત ૩૦ જુલાઇ છે. આરટીઓમાં ૩૦ એપ્રિલે જૂનાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવા જે ધસારો થતો હતો તેમાં મુદત વધતાં જ લોકોમાં ઉદાસીનતા આવી ગઇ છે.

જે કંપાઉન્ડમાં એચએસઆરપી માટે લાઇનો લાગતી હતી ત્યાં હવે આસાનીથી કામગીરી થાય છે. વારંવારની સૂચના છતાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવા પ્રત્યે લોકો બેદરકારી રાખી રહ્યા છે.

અગાઉ ૩૦ એપ્રિલ અંતિમ તારીખ હતી, જે વધારીને હવે ૩૧ જુલાઇ કરાઇ છે. વાહન વ્યવહાર વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ હવે પછી આ મુદતમાં વધારો કરવામાં આવશે નહીં.

અમદાવાદ આરટીઓમાં રોજની ૯૦૦ નંબર પ્લેટ ફિટ થઇ શકે. ડિમ્ડ આરટીઓ દ્વારા લગાવાતી નંબર પ્લેટ સહિત અંદાજ મૂકવામાં આવે તો હજુ પણ બીજાં બેથી ત્રણ વર્ષે માંડ તમામ વાહનમાં એચએસઆરપી લાગી શકે. શહેરમાં ૯૦થી વધુ ડિમ્ડ આરટીઓ ડીલર છે.

રજાના દિવસે પણ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે તેવો તંત્રનો દાવો પોકળ છે. નંબર પ્લેટ લગાવવાની ૧૪૪ નંબરની બારી મોડી બંધ થવાની તો ઠીક નિયત સમય કરતાં પણ વહેલી બંધ થઇ જાય છે.

આરટીઓ કે ડીલરો મળીને ગમે તેટલું કામ કરે તો પણ રોજની તેઓ માત્ર ર૦૦૦થી રપ૦૦ જેટલી નંબર પ્લેટ લગાવી શકે. શહેરનાં ૧૧ લાખ વાહનોનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો રોજની ર૦ હજાર જેટલી નંબર પ્લેટ લગાવવી પડે, તેના બદલે માત્ર રપ૦૦ નંબર પ્લેટ લગાવાય છે.

મુદત વધતાં જ લોકો ઉદાસીન બન્યા છે. ખરેખર તો આરટીઓ પાસે જૂનાં વાહનોનો કોઇ ચોક્કસ ડેટા જ નથી. આ અંગે આરટીઓ એસ. એ. મોજણીદારે જણાવ્યું હતું કે કચેરી દરેક વાહનમાં એચએસઆરપી લગાવવા પૂરતી મહેનત કરી રહી છે. હવે માત્ર મહિનાની મુદત બાકી હોઇ વાહનધારક આ બાબતને ગંભીરતાથી લે તે માટેના ચોક્કસ પ્રયત્નો હાથ ધરાશે.

એ‌પ્રિલ માસમાં અંદાજે ૬ લાખ જેટલાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હતી. છેલ્લા બે માસ દરમિયાન અંદાજે ૧ લાખથી વધુ નંબર પ્લેટ લગાવાઇ છે. આ મહિનામાં કેપે‌િસટી પ્રમાણે અંદાજે ૭પ હજાર વાહનોને એચએસઆરપી લગાવવામાં આવે તો પણ ૪.પ૦ લાખથી વધુ જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી રહેશે.

રાજ્યભરમાં અંદાજે ર કરોડ ૩૦ લાખ જેટલાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની હતી, જેમાં એક મહિનાદીઠ રપથી ૩૦ લાખનો ટાર્ગેટ અપાયો હતો.

You might also like