કરોડો ચાહકોની નજર 22 વારની પીચ પર

કોલકાતાઃ નાગપુરના જામથા સ્ટેડિયમમાં પહેલી હાર બાદ બધાની આજે અહીંના ઈડન ગાર્ડન્સ પર સત્તાવાર ૬૬,૦૦૦ (બિનસત્તાવાર આંકડો એક લાખ) દર્શકોની સામે ટી-૨૦ વિશ્વ કપનું મહાયુદ્ધ ખેલાશે. ફક્ત આ બંને દેશમાં જ નહીં, બલકે સમગ્ર દુનિયાના ક્રિકેટ પ્રશંસકો મહિનાઓથી આ મહામુકાબલાની રાહ જોઈ રહ્યા છે.

ઇતિહાસ પણ ખુદ બદલાવા માટે જાણે કે તૈયાર હશે. આઇસીસીની ટૂર્નામેન્ટમાં ભારત હજુ ક્યારેય પોતાના કટ્ટર હરીફ એવા પાકિસ્તાન સામે હાર્યું નથી. વન ડે અને ટી-૨૦ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમ સામસામે ૧૦ વાર ટકરાઈ છે અને આ બધા મુકાબલા ભારતે જીતી લીધા છે, જ્યારે પાકિસ્તાને આ મેદાન પર ભારત સામે રમેલી નિર્ધારિત ઓવરની ચારેય મેચ લીધી છે. જોકે આજે આ ઇતિહાસ બદલાઈ શકે છે.

ટીમ ઇન્ડિયા આજે પાકિસ્તાન સામે હારશે તો વર્લ્ડ કપમાંથી લગભગ બહાર ફેંકાઈ જશે
વર્તમાન વર્લ્ડ કપમાં ગ્રૂપ બેમાં ભારત પોતાની પ્રથમ મૅચ ન્યૂ ઝીલૅન્ડ સામે હારી ચૂક્યું છે અને આજે પાક સામે હારશે તો સેમી ફાઇનલની દોડમાંથી લગભગ બહાર ફેંકાઈ જશે. બીજી તરફ, પાકિસ્તાન અહીં બંાગ્લાદેશને પંચાવન રનથી હરાવીને ભારત સામે રમવા આવ્યું છે અને જો આજે જીતશે તો સેમી ફાઇનલ માટેનો દાવો ખૂબ મજબૂત કરી લેશે. એક રીતે બન્ને દેશ વચ્ચેનો આજનો મુકાબલો કોઈ ફાઇનલ કરતાં પણ વિશેષ એટલે ‘સુપર ફાઇનલ’ કહીએ તો પણ ચાલે. બન્ને ટીમના કૅપ્ટનોની પણ આજની મૅચમાં આકરી કસોટી થશે. સ્ટેડિયમમાં સલામતી તો હશે જ, પરંતુ જે ટીમ હારશે એની એક રીતે સલામતી ‘જોખમાશે’. જો પાક હારશે તો એના પ્લેયરો પર તેમના જ દેશમાં (ભારત સામે મહિનામાં બીજી વાર હારવા બદલ) પથ્થરો પડી શકે અને જો ભારત હારશે તો વર્લ્ડ કપની બહાર ફેંકાવા માટે આ હાર નિમિત્ત બની શકે.

ટીમ ઇન્ડિયાના નિશાન પર આઠ ઓવર
પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર જેટલા સારા છે, સ્પિન બોલિંગ એટલી જ સામાન્ય છે. ઇમાદ વસીમે શ્રીલંકા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ચાર વિકેટ જરૂર ઝડપી હતી, પરંતુ આજની મેચમાં સફળ થાય તેમાં સંદેહ છે. પ્રતિબંધને કારણે અજમલ ટીમમાં નથી અને મહંમદ હફીઝ શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે બોલિંગ કરી શકે તેમ નથી. આફ્રિદી અને શોએબ મલિક પર પાકિસ્તાને વિશ્વાસ કરવો પડશે. ભારતીય ટીમ પાક.ના પેસ એટેકની ૧૨ ઓવર્સને આરામથી અને સ્પિન એટેકની આઠ ઓવર્સને વિસ્ફોટક બેટિંગ કરીને આગળ વધી શકે છે.

પાક. ખેલાડીઓએ જીત માટે ખાસ નમાજ પઢી
પાકિસ્તાની ટીમ ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ પહોંચી, જ્યાં ઉષ્માભેર પાક. ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ખેલાડીઓએ ક્લબની ફૂટબોલ ટીમ સાથે ‘જુમા’ની નમાજ અદા કરી હતી. ખેલાડીઓએ પોતાની જીતની દુઆ પણ માગી હતી.

You might also like