મૂર્તિ તોડનો ઉપદ્રવ કેરળ પહોંચ્યોઃ હવે ગાંધીજીની પ્રતિમા ખંડિત કરાઈ

કન્નુર: ત્રિપુરામાં લેનિનની, તામિલનાડુમાં પેરિયારની, કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખરજીની મૂર્તિ તોડવાની ઘટનાઓ બાદ હજુ પણ દેશના અલગ અલગ ભાગોમાં મૂર્તિ તોડવાની રાજનીતિનો ઉપદ્રવ અટકયો નથી. આજે કેરળના કન્નુરમાં કેટલાંક તત્ત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની મૂર્તિ તોડીને નુકસાન પહોંચાડયાનો મામલો સામે આવ્યો છે.

કન્નુરમાં થાલીપરમ્બા વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સોએ મહાત્મા ગાંધીજીનાં ચશ્માં તોડી નાખ્યાં હતાં. મૂર્તિ તોડયા બાદ ઉપદ્રવીઓ ફરાર થઇ ગયા હતા. સ્થાનિક પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં લેનિનની મૂર્તિ ધ્વંસ કરાયા બાદ દેશભરમાં મૂર્તિ પર મહાસંગ્રામ શરૂ થઇ ગયો છે.

કેરળમાં મહાત્મા ગાંધીજીની મૂર્તિ ઉપરાંત તામિલનાડુના થિરુવોત્રિયુર પેરિયારનગરમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર પેન્ટ ફેંકવામાં આવ્યું હતું. આ અગાઉ બુુધવારે મેરઠમાં બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. તામિલનાડુના વેલ્લુરમાં પણ સમાજ સુધારક ઇવીઆર રામાસામી પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તો લેનિનની મૂર્તિ તોડવાના બદલારૂપે કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખરજીની મૂર્તિ તોડવામાં આવી હતી.

મેરઠના મવાના વિસ્તારમાં આંબેડકરની મૂર્તિ તોડવાની ઘટનાને પગલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આંબેડકરની મૂૂર્તિ તોડયા બાદ બુધવારે દલિત સમાજના ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી દેતાં પોલીસ સાથે તેઓની અથડામણ થઇ હતી.

You might also like