પાક.માં કાયદા પ્રધાન વિરુધ્ધ આંદોલન તેજ, આપ્યું રાજીનામું

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં કટ્ટરવાદી ધાર્મિક જૂથો દ્વારા સતત થઈ રહેલા દેખાવો અને અથડામણોના દબાણ હેઠળ પાકિસ્તાનના કાયદા પ્રધાન જાહિદ હમીદે રાજીનામું આપી દીધું છે. હમીદે જણાવ્યું હતું કે તેમણે શાંતિની સ્થાપના માટે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા પહેલાં તેઓ પંજાબના મુખ્યપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા.

દરમિયાન પાકિસ્તાનમાં ઈશનિંદા વિરુદ્ધ દેખાવો તેજ બની રહ્યા છે. પાકિસ્તાન સરકારે પોલીસ અને કટ્ટરવાદી ધાર્મિક જૂથોના દેખાવકારો વચ્ચેની અથડામણમાં છ લોકોના મોત થયા હોવાનું અને ૨૦૦થી વધુ ઘાયલ થયા હોવાનું જણાવાયું હતું. તંગદિલી બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા પાકિસ્તાન સરકારે લશ્કરની મદદ માગી હતી.

પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ તરફ જતા હાઈવેની ઘેરાબંધી કરીને દેખાવો કરનારા લોકોને હટાવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ગઈ કાલે અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. તહરીક-એ-ખત્મ-એ-નબુવત, તહરીક-એ-લબૈક અને રસુલ અલ્લાહ (ટીએલવાયઆરસી) અને સુન્ની-તહરીક પાકિસ્તાન (એસટી)ના લગભગ ૨૦૦૦ કાર્યકરોએ બે સપ્તાહ કરતા વધુ સમયથી ઈસ્લામાબાદ એક્સપ્રેસ-વે અને મુર્રી રોડની ઘેરાબંધ કરી રાખી હતી.

આ માર્ગ ઈસ્લામાબાદને તેના એક માત્ર એરપોર્ટ અને લશ્કરના મથક રાવલપિંડી સાથે જોડે છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ દેખાવકારોને વિખેરવા માટે અશ્રુવાયુના શેલ અને રબરની ગોળીઓ છોડી હતી, પરંતુ અથડામણો હિંસક થઈ ગયા બાદ સુરક્ષાદળો પાછા હટી ગયા હતા.

ચૂંટણી પ્રક્રિયાના સોગંદનામામાંથી પયંગમ્બર મોહમ્મદનો ઉલ્લેખ હટાવ્યા બાદ ભડકી ઉઠેલા કટ્ટરવાદી આંદોલનકારીઓનો વિરોધ પાટનગર ઈસ્લામાબાદ ઉપરાંત કરાચી, લાહોર અને રાવલપિંડી સહિત અનેક શહેરોમાં વકર્યો હતો. દેખાવકારોએ સુરક્ષાદળોના કેટલાય વાહનો સળગાવી નાખ્યા હતા.

દરમિયાન વડા પ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ દેશની વર્તમાન સુરક્ષા સ્થિતિ પર એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં લશ્કરના વડા જનરલ કમર જાવેદ બાજવા, આઈએસઆઈના પ્રમુખ લેફ. મુખત્યાર, આંતરિક સુરક્ષા પ્રધાન અહસન ઈકબાલ અને પંજાબના મુખ્યપ્રધાન શાહબાઝ શરીફે ભાગ લીધો હતો.

આંદોલનકારીઓ કાયદા પ્રધાનને હટાવવાની પોતાની માગણી પર અડગ રહેતાં આખરે કાયદાપ્રધાન જાહિદ હમીદને દબાણ હેઠળ રાજીનામું આપવું પડ્યું છે. દરમિયાન સુરક્ષાદળોએ ઈસ્લામાબાદના રેડ ઝોનમાં સરકારી ઈમારતમાં પોઝિશન સંભાળી લીધી હતી.

You might also like