કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંતાકૂકડીનો ખેલ શરૂ

બેંગલુરુ: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ખંડિત જનાદેશ આવતાં અને કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતાં હવે કર્ણાટકના રાજકારણનાં ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ (એસ) દ્વારા સરકાર રચવાના મરણિયા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

ભાજપે જણાવ્યું છે કે જનતા દળ (એસ) અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે તો બીજી બાજુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે એક રિસોર્ટમાં તેમને છુપાવવા માટે લઈ જવા હિલચાલ શરૂ કરી દીધી છે. અહેવાલો અનુસાર કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ભાજપમાં પક્ષાંતર કરતા અટકાવવા માટે એક વૈભવી રિસોર્ટમાં ૧૨૦ રૂમ બુક કરાવ્યા છે.

કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે જણાવ્યું છે કે ભાજપ અમારા ધારાસભ્યોના સંપર્કમાં છે એવી અમને જાણકારી મળી છે. અમારો ધારાસભ્યો પર ખૂબ જ દબાણ થઈ રહ્યું છે, પરંતુ ભાજપ ધારે છે એટલું આ કામ સરળ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ છુપા સ્થળે ખસેડશો ? ત્યારે શિવકુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપથી અમારા ધારાસભ્યોને બચાવવા અમે ચોક્કસપણ એક પ્લાન ઘડી કાઢ્યો છે.

હવે ધારાસભ્યોને ક્યાં લઈ જવાશે તેમ જ અમારી આગળની યોજના શું છે તે અંગે ટૂંક સમયમાં અમે જણાવીશું. કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે ભાજપ અમારા ધારાસભ્ય સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છે, તેમને લોકતંત્રમાં વિશ્વાસ નથી. ભાજપ માત્ર સત્તા હડપ કરવા માગે છે, પરંતુ અમારા કોઈ પણ ધારાસભ્ય અસંતુષ્ટ નથી.

કોંગ્રેસના ધારાસભ્ય એ.એલ.પાટીલ બયાપુરે જણાવ્યું હતું કે મને ભાજપના નેતાઓ તરફથી ફોન આવ્યો હતો. તેમણે મને તેમની સાથે આવી જવા જણાવ્યું હતું અને મને પ્રધાનપદની ઓફર પણ કરવામાં આવી છે, પરંતુ હું ક્યાંય જવાનો નથી, એચ.ડી. કુમાર સ્વામી અમારા મુખ્યપ્રધાન છે.

You might also like