આઈટી ક્ષેત્રે જાપાન અને ચીન કરતાં ભારત વધુ શક્તિશાળી

વડા પ્રધાન બન્યાના થોડા મહિના બાદ નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે ગયા હતા. તેમણે જાપાનની ધરતી પર આપેલું પ્રવચન વિશ્વભરમાં ચર્ચાસ્પદ બની ગયું હતું. મોદીએ આ પ્રવચનમાં જણાવ્યું હતું કે જ્યારે અમે માઉસ ચલાવીએ છીએ ત્યારે સમગ્ર દુનિયા ચાલે છે. મોદીના આ નિવેદનમાં રાષ્ટ્રીય ગૌરવની શકિતશાળી અનુભૂતિ જોવા મળી હતી. જાપાનીઓને જ્યારે આ નિવેદનનો અર્થ સમજાયો ત્યારે તેઓ પણ દંગ રહી ગયા હતા અને તેઓ સવાલ કરવા લાગ્યા હતા કે વિશ્વમાં કોઇ એવો વિસ્તાર છે કે જેમાં ભારત જાપાનથી વધુ શકિતશાળી બની ગયું હોય?
મોદીના આ નિવેદનની ચર્ચા ચીનમાં પણ શરૂ થઇ ગઇ હતી અને ચીનના બુદ્ધિજીવીઓ પણ વિચારતા થઇ ગયા હતા, પરંતુ તેમની ચિંતા જાપાનના લોકો કરતાં અલગ હતી. કારણ કે ચીન કમ્પ્યૂટર હાર્ડવેરના ક્ષેત્રમાં વિશ્વનો અગ્રણી દેશ છે અને ભારત સોફટવેર ક્ષેત્રે વિશ્વનો બાદશાહ છે. હાર્ડવેરને શારીરિક મહેનતનું કામ જ્યારે સોફટવેરને માનસિક શ્રમનું કામ માનવામાં આવે છે. એનો મતલબ એ થયો કે ભારતના લોકો દિમાગથી સમૃદ્ધ છે. ભારત સોફટવેરમાં મહાશકિત ગણાય છે. ભારતમાં ૩૧ લાખ જેટલા આઇટી પ્રોફેશનલ્સ છે જેઓ ૧૧૮ અબજ ડોલરની આવક મેળવે છે. એક અભ્યાસ મુજબ ર૦૧૪માં અમેરિકાએ કમ્પ્યૂટર પ્રોફેશનલને જે એચવનબી વિઝા આપ્યા હતા. તેના ૮૬ ટકા જેટલા લોકો ભારતીય હતા. જ્યારે ચીનને માત્ર પાંચ ટકા જ વિઝા મળ્યા હતા. અેક વાત એ પણ જાહેર છે કે ભારતના આઇટી પ્રોફેશનલ્સ નહીં પરંતુ અહીંના ડોકટરો, એન્જિનિયરો, વૈજ્ઞાનિકોની પણ અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારે માગ છે જે આપણા માટે સન્માનની વાત ગણાય. ભારતમાં આઇટી ક્રાંતિનો ૧૯૯૦માં ઉદય થયો હતો. ત્યારે અંગ્રેજ કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ટીમ બેરનેસે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ એટલે કે વર્લ્ડવાઇડ વેબ ઇન્ટરનેટ પ્રોટોકોલનો સ્વીકાર કર્યો હતો ત્યારે ઇન્ટરનેટની ભાષા અંગ્રેજી હતી. પર્સનલ કમ્પ્યૂટર બનાવનાર કંપનીઓ આઇબીએમ અને એપલની ભાષા પણ અંગ્રેજી હતી.
આ ઉપરાંત માઇક્રોસોફટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પણ અંગ્રેજીમાં જ કામ કરતી હતી ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે આઇટી ક્રાંતિની માતૃભૂમિ અમેરિકા અને બ્રિટન છે. આ ક્રાંતિની ભાષા અંગ્રેજી છે. તેમ છતાં આઇટી ક્રાંતિનો હિસ્સો જાપાન કે ચીન કેમ બની ન શકયાં? અને ભારત તેનો એક ભાગ બની ગયું?
અંગ્રેજી ભાષાની માતૃભૂમિ ગણાતા યુનાઇટેડ કિંગડમની કુલ વસ્તી ૬.૪૧ કરોડ છે, પરંતુ બીબીસી ડોટ.કોમ.ના જણાવ્યા અનુસાર ભારતમાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા ૧ર.પ કરોડ છે. જેઓ સારી રીતે અંગ્રેજી બોલી અને વાંચી શકે છે. ૧૯૯૦માં ઇન્ટરનેટનો ઉદય થયો તેના થોડા વર્ષો બાદ આઇટી ક્રાંતિની શરૂઆત થઇ હતી. તેમાં લાખો ભારતીયો તેમના અંગ્રેજી જ્ઞાનના આધારે આ ક્રાંતિના ભાગીદાર બની ગયા હતા.
જાપાન કે ચીનના લોકો બુદ્ધિમતાની દૃષ્ટિએ ભારતીયો કરતાં પાછળ નથી, પરંતુ તેમની પાસે સારું અંગ્રેજી બોલવાની આવડત નહીં હોવાથી તેઓ આ ક્રાંતિના નાયક ન બની શકયા. ચીન આજે વિશ્વની સૌથી અર્થવ્યવસ્થા ગણાય છે. જ્યારે નાનકડો જાપાન દેશ ત્રીજા ક્રમે આવે છે તેમ છતાં જાપાન કે ચીનને વિશ્વ લેવલે ભારત જેવું સન્માન પ્રાપ્ત થયું નથી.
૧૯૩પમાં લોર્ડ મેકાલે અંગ્રેજી ભાષામાં શિક્ષણની તરફેણ કરી હતી. તે સમયે બ્રિટિશ અધિકારીઓ બે ભાગમાં વહેંચાઇ ગયા હતા. લોર્ડ મેકાલેની વિરોધી લોબીને એ વાતનો ડર હતો કે અંગ્રેજી શીખ્યા બાદ આજ ભારતીયો ઇંગ્લેન્ડ પાસે આઝાદીની માગણી કરશે.
આ વિવાદમાં છેવટે મેકાલેનો વિજય થયો. ભારતમાં અંગ્રેજી આધારિત શિક્ષણ પ્રથા લાગુ થઇ.ે અંગ્રેજી સાથે ભારતમાં આધુનિક વિજ્ઞાન, ગણિત, ફિઝિકસ અને કેમેસ્ટ્રી જેવા વિષયનું શિક્ષણ શરૂ થઇ ગયું. તેના આધારે અનેક ભારતીયો ડોકટર, એન્જિનિયર તેમજ આઇટી ક્ષેત્રે નિષ્ણાત બની ગયા અને વિશ્વ લેવલે ભારતનું નામ રોશન કર્યું. જેમાં ભારતે આઇટી ક્ષેત્રે વિશ્વમાં અનોખી નામના મેળવી નાયકનું બિરુદ મેળવ્યું.

You might also like