હિમાચલના હિમસ્ખલનમાં ફસાયેલા જવાનોનો જિંદગી સામે જંગ જારી

(એજન્સી) શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભારત-ચીન સરહદે મોટા પાયે હિમસ્ખલન થતાં ભારતીય સેનાના કેટલાય જવાનો ફસાયા છે. ભારત-ચીન બોર્ડર પર થયેલા હિમસ્ખલનમાં સેેનાના જમ્મુ-કાશ્મીર રાઇફલ યુનિટનો એક જવાન શહીદ થયો છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે.

આ જવાન હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ધુમારપુર ગામનો રમેશકુમાર હોવાનું જાણવા મળે છે. હજુ કેટલાયે જવાનો જિંદગી સામે જંગ ખેલી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં એક પહાડનો કાટમાળ પડવાથી ઋ‌િષકેશ-ગંગોત્રી હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે.

બરફના પહાડ નીચે દબાયેલા આ જવાનોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું છે, જોકે હજુ સુધી બરફમાં ફસાયેલા જવાનો અંગે કોઇ સુરાગ મળ્યા નથી. કિન્નૌર જિલ્લાનું તાપમાન -૧પ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અત્યારે પણ ભારે હિમવર્ષા ચાલુ છે અને તેના કારણે બરફની ચાદર છવાઇ ગઇ છે.

સેનાને રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આર્મી, આઇટીબીપીએ રેસ્ક્યૂ ઓપરેશનમાં મશીન પણ કામે લગાડ્યાં છે અને બરફમાં ફસાયેલા કેટલાયે જવાનોને બહાર કાઢવા માટે રપ૦ જવાન મદદ કરી રહ્યા છે. દરમિયાન કિન્નૌરના ડેપ્યુટી કમિશનર ગોપાલચંદે જણાવ્યું હતું કે હિમસ્ખલનમાં રાઇફલ્સ યુનિટના વધુ જવાન ફસાયા હોવાની આશંકા છે. જ્યારે ગ્લેશિયર પડવાથી મોડી રાતે હિમસ્ખલન થયું ત્યારે ત્યાં કુલ ૧૬ જવાન હાજર હતા.

સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર ભારત-તિબેટ બોર્ડર પોલીસના કેટલાયે જવાન આ હિમસ્ખલનમાં ફસાયા હતા, જેમાંથી કેટલાકને સુર‌િક્ષત બહાર કાઢવામાં આવ્યા છે. આ ૧૬ જવાન નુકસાનગ્રસ્ત વોટર સપ્લાય લાઇનના રિપેરિંગ માટે નામાગયાથી શીપકાલા બોર્ડર પોસ્ટ તરફ ગયા હતા ત્યારે એકાએક હિમસ્ખલન થતાં તેમાં તેઅો દબાઇ ગયા હતા.

દરમિયાન પ્રતિકૂળ આબોહવાને લઇ હવામાન વિભાગે હજુ પણ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં ભારે હિમપ્રપાત થવાની ચેતવણી જારી કરી છે.

You might also like