શહેરીજનો દૂષિત પાણી પીવા મજબૂરઃ છ દિવસમાં ૩૯ નમૂના ‘ફેલ’

અમદાવાદ: અમદાવાદમાં ચોમાસાની ઋતુએ હજુ પૂરેપૂરી જમાવટ કરી નથી તેમ છતાં શહેરમાં પાણી ખેંચવા ઠેર ઠેર બેસાડાતી મોટર, ગેરકાયદે પાણી અને ગટરની લાઇન કોટ વિસ્તામાં બાવા આદમના જમાનાની પાણી ગટરની લાઇનો, અને ઔડાની જૂની લિમિટના કેટલાક વિસ્તારમમાં પીવીસીની પાઇપલાઇન વગેરે કારણોસર આજે પણ સેંકડો લોકો દૂષિત પાણી પીવા માટે વિવશ છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા છ દિવસમાં ૩૯ પાણીના નમૂનામાં કલોરિનનો અભાવ મળી આવ્યો છે.

ગઇ ઉનાળાની સિઝનના પ્રારંભમાં ભાજપના શાસકો દ્વારા ગેરકાયદે રીતે પાણીની મોટર મૂકી પાણી ખેંચનારા લોકોને ઝબ્બે કરવા મોટરિંગ સ્કવોડનું ગઠન કરવાની જાહેરાત કરાતી હતી. પરંતુ આ જાહેરાત બાદ ખુદ શાસકપક્ષમાં અનેક મતભેદ સર્જાતા મોટરિંગ સ્કવોડની જાહેરાત ફક્ત ‘કાગળ’ પર જ રહી ગઇ. આજે પણ શહેરભરમાં ખુલ્લેઆમ મોટર મૂકીને પાણી ખેંચાઇ રહ્યું છે. જેના કારણે તેની પાછળના વિસ્તારમાં ફક્ત પાણીની તંગી ઊભી થતી નથી. પરંતુ પાણી પણ દૂષિત આવે છે. મધ્ય ઝોનમાં આવી પ્રવૃત્તિ ખાસ ફૂલીફાલી છે. ઉપરાંત આ ઝોનમાં વર્ષો જૂની પાણી-ગટરની લાઇન હોઇ લીકેજના પ્રશ્ન છે. જેના કારણે દરિયાપુર વોર્ડમાંથી સૌથી વધુ નવ સ્થળોએથી દૂષિત પાણી મળી આવ્યું છે. જ્યારે ખાડિયામાં ચાર સ્થળે, અસારવામાં એક સ્થળે, શાહીબાગમાં એક સ્થળે અને શાહપુરમાં બે સ્થળે એમ એકલા મધ્યઝોનમાંથી કુલ ૧૭ સ્થળોએ તંત્રને દૂષિત પાણી મળી આવ્યું છે.

જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં જોધપુર ગામ રોડ પરની વાઘેલા સોસાયટીમાં પાણીમાં કલોરિન ‘નીલ’ હતું. પૂર્વ ઝોનમાં વિરાટનગર વોર્ડના બે સ્થળે, ઉત્તર ઝોનમાં ઇન્ડિયા કોલોનીમાં બે સ્થળે, સૈજપુર, સરસપુર, રખિયાલ અને સરદારનગરમાં એક એક સ્થળે દૂષિત પાણીથી લોકો ત્રસ્ત છે. દક્ષિણ ઝોનમાં લાંભામાં ચાર સ્થળે, મણિનગરમાં ત્રણ સ્થળે, ઇન્દ્રપુરી અને બહેરામપુરામાં એક એક સ્થળ એમ કુલ નવ સ્થળોએ નાગરિકો દૂષિત પાણી પીવે છે.

શહેરના સૌથી પોશ ગણાતા પશ્ચિમ ઝોનમાં પણ શહેરીજનોને પીવા માટે ચોખ્ખું પાણી મળતું નથી. આ ઝોનના ચાંદખેડા વોર્ડ, સ્ટેડિયમ વોર્ડ અને સાબરમતી, મોટેરા વોર્ડમાં એક એક સ્થળે અને નવા વાડજ વોર્ડમાં બે સ્થળે એમ કુલ પાંચ સ્થળે પાણીના નમૂનામાં કલોરિનનો અભાવ હતો.
http://sambhaavnews.com/

You might also like