કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની બૂમ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની બેદરકારીથી કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો હાહાકાર મચાવ્યો છે. કોટ વિસ્તારમાં ઠેરઠેર ગટરો ઊભરાયેલી હોઇ દૂષિત પાણીની સમસ્યા વકરી છે. ખાડિયા વોર્ડની રતન પોળ, નાગોરી પોળ, શેઠની પોળ, વાઘણ પોળ જેવી પોળોમાં નાગરિકો છેલ્લા દશ દિવસથી ગંદું અને દુર્ગંધ મારતું પાણી પીવા વિવશ બન્યા છે. જેની તંત્રના ઊચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરાઇ છે તેમ છતાં હજુ પણ સ્થિતિ યથાવત્ છે.

મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં આવેલી રતન પોળ, ગોલવાડ, નાગોરી પોળ, હાથીખાના, ફતેહભાઇની હવેલી, શેઠની પોળ, લીંબુ પોળ, બળેલી હવેલી, વાઘણ પોળ, સૂરજમલનું ડહેલું, નાગરી શાળા, મરચી પોળ વગેરે પોળ વિસ્તારમાં લોકો ગંદું અને દુર્ગંધ મારતાં પીવાનાં પાણીથી ત્રાસી ઊઠ્યા છે. શહેર કોંગ્રેસના મંત્રી હેમંત રાણા આક્ષેપ કરતાં કહે છે તા.૧પમે એ પણ અમારા વિસ્તારની પ્રદૂષિત પાણીની સમસ્યાથી ઉચ્ચ અધિકારીઓને સોશિયલ મીડિયા પર તસવીર મોકલાવીને વાકેફ કર્યા હતા. પરંતુ તંત્રનાં પેટનું પાણી પણ હાલ્યું નથી. ગોલવાડના સ્થાનિક રહેવાસી જિજ્ઞેશ રાણા કહે છે, રતન પોળની આસપાસના તમામ રહેણાક અને કોમર્શિયલ વિસ્તારની ગટરલાઇન ઊભરાઇ ગઇ છે. મધ્ય ઝોનના ચીફ ઇજનેર કે હેલ્થ વિભાગના અધિકારીઓએ સાદો રાઉન્ડ લેવાની પણ તસદી લીધી નથી. બીજી તરફ કોમર્શિયલ વિસ્તારના વેપારીઓ પોતે ઊભરાયેલી ગટરનાં ઢાંકણાં ખોલીને સાફ સફાઇ કરે છે.

You might also like