એપ્રિલમાં સોનાનો ભાવ ૩૧ હજારની સપાટીએ જોવાશે?

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં તેજી તરફી ચાલ જોવા મળી છે. એમસીએક્સ પર એપ્રિલ સોનાના વાયદાએ ૩૦ હજારની સપાટીને પાર કરી દીધી છે ત્યારે બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી એક મહિનામાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૩૧,૦૦૦ની સપાટીએ જોવાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આગામી યુએસ ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરને સ્થિર રાખે તો ડોલરમાં નરમાઇ જોવાઇ શકે છે અને તેની અસરે સોનાના ભાવને ટેકો જોવાય, જેના પગલે વાયદા બજારમાં મજબૂત તેજી તરફી ચાલ નોંધાતી જોવા મળી છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા બે મહિનામાં સોનાના ભાવમાં ૨૦૦ ડોલરથી વધુનો વધારો જોવાઇ ચૂક્યો છે. તેમાં પણ ખાસ કરીને વૈશ્વિક બજારમાં સ્લો ડાઉનની ચિંતાએ સલામત રોકાણ તરીકે સોનાની માગમાં વધારો થયો છે.

મોટા ફંડો તથા ઇક્વિટી બજારના રોકાણકારો ઇક્વિટીમાંથી નાણાં પાછાં ખેંચીને સોના-ચાંદીમાં નાણાં રોકી રહ્યા છે. એટલું જ નહીં ક્રૂડની કિંમતોમાં આવેલા ઘટાડાના પગલે યુએસની કેટલીક બેન્કો ઉપર પણ નકારાત્મક અસર પડે તેવી દહેશતના પગલે સોનામાં રોકાણ વધ્યું છે.

You might also like