કોઈ પણ ઘટના દેશ પ્રેમ છે કે દેશ દ્રોહ છે તે જાતે નક્કી ન કરો

જાણીતા કાનૂનવિદ ફલી નરિમાને પોતાના એક લેખમાં એક ઘટનાનું વર્ણન કર્યું હતું. થોડા વર્ષ પહેલાં કુઆલાલમ્પુરમાં આંતરરાષ્ટ્રીય બાર એસોસિયેશનના નેજા હેઠળ આયોજિત એક કોન્ફરન્સમાં મલેશિયાના જ એક જાણીતા રિટાયર્ડ જજે દેશ-વિદેશથી આવેલા લગભગ પ૦૦થી વધુ કાનૂનવિદોથી ખીચોખીચ હોલમાં પોતાનાં ભાષણની શરૂઆતમાં જણાવ્યું હતું કે આપણા લેખિત બંધારણે આપણને વાણી સ્વાતંત્ર્ય આપ્યું છે. તેમના આ વાકય પર તાળીઓનો ગડગડાટ થયો હતો. થોડી વાર પછી આગળ બોલતાં તેમણે જણાવ્યું કે બોલ્યા બાદની સ્વતંત્રતા (ફ્રીડમ આફટર સ્પીચ) આપી નથી. તેમના આ વાકયથી હોલમાં સન્નાટો છવાઇ ગયો હતો.
ભારતમાં પણ આ સમયે કંઇ પણ બોલવાની આઝાદી છે, પરંતુ કેટલાકનું બોલવું દેશ દ્રોહ બની જાય છે.
છેલ્લા બે અઠવાડિયામાં ભારતમાં કેટલીક ઘટનાઓ બની છે. કેટલાક વીડિયો સ્પષ્ટ નથી. સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ વિધિવત્ મીડિયામાં પણ રિપોર્ટ આપવામાં આવે છે. આ રિપોર્ટમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ભારત વિરોધી નારા બોલાતા દેખાઇ રહ્યા છે અને ડાબેરીઓ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંઘોના યુવાનો દેખાઇ રહ્યા છે. યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનાે પ્રમુખ કન્હૈયાકુમાર પણ તેમાં સામેલ છે. આ સપ્તાહમાં ભારતમાં તમામ રાષ્ટ્રભકતોનો ગુસ્સો ભડકી ઊઠયો છે. મીડિયા દિવસ-રાત એ બતાવવાનો પ્રયાસ કરે છે કે દેશની અખંડિતતા પર ખતરો છે. સરકાર અભૂતપૂર્વ તત્પરતા દાખવીને કન્હૈયાની ધરપકડ કરી લે છે. બે દિવસ પછી ભાજપના એક ધારાસભ્ય અડધો ડઝન લોકો સાથે એક ડાબેરી કાર્યકરની જાહેરમાં ધોલાઇ કરે છે. સ્થળ પતિયાલા કોર્ટ, સમય બપોરનો, ટોળાની સંખ્યા ૧,૦૦૦, શ્રેષ્ઠ કવોલિટીના કેમેરા સાથે પ્રોફેશનલ પત્રકારો અને મીડિયા.

બાજુમાં કોર્ટ રૂમની અંદર મીડિયાકર્મીઓની પણ ભારે ધોલાઇ થાય છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ધોલાઇ કરનારાઓ કાળા કોટમાં હોય છે. તેમના ચહેરા સ્પષ્ટ નજરે પડે છે. તમામ વકીલોના ચહેરા કેમેરામાં ધોલાઇ કરતા દેખાય છે, પરંતુ પોલીસ આગામી ૯૬ કલાક સુધી કોઇ કેસ દાખલ કરતી નથી અને મીડિયા જ્યારે આંદોલનકારી વલણ અપનાવે છે ત્યારે પોલીસ એફઆઇઆર લખે છે અને તે પણ અજાણ્યા લોકો વિરુદ્ધ.

આ દરમિયાન આગામી બે દિવસ આ ચેનલોના કેમેરા પર એક ધારાસભ્ય વારંવાર એવું કહે છે કે મારી પાસે બંદૂક હોત તો હું ગોળી મારી દેત. ભારત વિરુદ્ધ જે પણ બોલશે તેમના આવા જ હાલ થશે. પાંચમા દિવસે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે, કેટલાક કલાકોની પૂછપરછના નામે બેસાડવામાં આવે છે અને પછી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે. એક વકીલ પોતાની ફેસબુક પોસ્ટ પર ૧૧થી ૧૬ ફેબ્રુઆરી સુધી લખીને વકીલોને આહવાન કરે છે કે હવે બધાને પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે. પછી પોલીસ બંદોબસ્ત હેઠળ લાવવામાં આવેલ કન્હૈયા પર ટોળું ધોળા દિવસે હુમલો કરે છે. પોલીસ બધો તમાશો જુએ છે. ત્યાર બાદ કન્હૈયા સામેના આરોપો શંકાના દાયરામાં છે. એક વર્ગનું કહેવું છે કે વીડિયો સાથે ચેડા થયાં છે.

પ્રશ્ન એ નથી કે કન્હૈયા સામે દેશ દ્રોહનો કેસ ચાલવો જોઇએ કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે દેશ પ્રેમ કે દેશ દ્રોહ તમે જાતે નક્કી ન કરો. જાહેર વ્યવસ્થા વણસે તેવા કોઇ પણ પ્રયાસ સામે શિક્ષા કરવી એ રાજધર્મ છે, પરંતુ જ્યારે ધારાસભ્યો કે નેતાઓના નિકટના માણસો ખુલ્લેઆમ આ વ્યવસ્થાને વણસાવે ત્યારે સરકારનો રાજધર્મ કયાં ચાલ્યો જાય છે? જ્યારે ગૌમાંસ ખાવાના શક પર ગામના બહુમતી લોકો અખલાકની હત્યા કરવા માટે પક્ષના સ્થાનિક નેતાઓના રક્ષણ હેઠળ હુમલાે કરે છે ત્યારે દેશના એક પ્રધાન તેને સામાન્ય ઘટના જણાવે છે અને પક્ષના એક ધારાસભ્ય કહે છે કે જો આ વર્ગ સુધરશે નહીં તો મુઝફફરનગરના રમખાણો દોહરાશે.

કેન્દ્રની વર્તમાન મોદી સરકાર કદાચ એ ભૂલી ગઇ છે કે જનતાનો ભરોસો હવે તેના પરથી ઓછો થઇ રહ્યો છે. જનતાને હવે એવી ખાતરી થઇ ગઇ છે કે ભારતીયતા અને રાષ્ટ્રવાદના નામે ગુંડાગર્દીની બોલબાલા વધી રહી છે અને આજ કારણસર જે દિવસે દેશના વડા પ્રધાન એક સારી પાક વીમા યોજનાની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે દેશના મીડિયામાં ગુંડાગર્દીના સમાચારો છવાઇ ગયા હતા. આમાં નુકસાન કોનું થઇ રહ્યું છે તે હવે મોદી, ભાજપ અને સંઘે વિચારવાનું છે.

You might also like