Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટેનું રૂ.૭૫૦૯ કરોડનું ડ્રાફટ બજેટ આજે સવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનરનો કાર્યભાર સંભાળ્યા બાદ પોતાનું પ્રથમ ડ્રાફટ બજેટ રજૂ કરનાર વિજય નહેરાએ કરવેરા વિહોણું બજેટ મૂક્યું હતું.

અગાઉના કમિશનર મૂકેશકુમાર દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ માટે રૂ.૬પ૦૦ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કરાયું હતું. મૂકેશકુમારનાં ડ્રાફટ બજેટમાં રૂ.૩ર૦૦ કરોડ રેવન્યુ ખર્ચ દર્શાવાઇને વિકાસનાં કામો માટે રૂ.૩૩૦૦ કરોડ ફાળવાયા હતા.

વહીવટીતંત્રએ દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર થયેલા અમદાવાદનો ઐતિહાસિક વારસો જળવાઇ રહે તે બાબત પર ભાર મૂકી ડિજિટલ પેમેન્ટ, કોમન કાર પેમેન્ટ સિસ્ટમ, (સીસીપીએસ) આઇટીએમએસ કમાન્ડ કંટ્રોલ સેન્ટર વગેરે સ્માર્ટ સિટી મિશનને લગતી બાબતોને અગત્યતા અપાઇ હતી.

મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ પોતાના ડ્રાફટ બજેટમાં રૂ. ૧૦૦૯ કરોડનો વધારો સૂચવ્યો છે જેમાં રૂ.૮૦૦ કરોડના ખર્ચે નવા આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ, ૧૦૦ નવી ઇલેક્ટ્રિક બસ, ૩૦૦૦૦ ઇ-રિક્ષા તેમજ પ૦૦ કરોડના બોન્ડ બહાર પાડવાની દરખાસ્ત કરાઈ છે.

તેમજ વી.એસ. હોસ્પિટલ બિલ્ડિંગ માટે રૂ.૬૦ કરોડ, ટ્રાફિક મેનેજમેન્ટ માટે રૂ.ર૦ કરોડ, બ્રિજ પ્રોજેકટ માટે રૂ.ર૬૦ કરોડ અને પીરાણા ડમ્પ સાઇટ માટે રૂ. ૩૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. કમિશરના ડ્રાફટ બજેટ બાદ શાસક ભાજપ દ્વારા તેમાં સુધારો-વધારો કરાવતું સુધારિત બજેટ રજૂ કરાશે.

અગાઉના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા રૂ.૬૯૯૦ કરોડનું સુધારિત બજેટ મંજૂર કરાવાયું હતું. જેમાં વિકાસનાં કામો માટે રૂ.૧૯૦ કરોડનો વધારો કરાયો હતો. છેલ્લા ૧૦ વર્ષથી મ્યુનિસિપલ કોર્પો. નાં બજેટ જે તે નાણાકીય વર્ષના અંતે નાણાંનાં અભાવે આભાસી પુરવાર થઇ રહ્યાં છે.

You might also like