મોભાદાર ઘરમાં તો દારૂ પીવો ફેશન અને સ્ટેટસ છે

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી અને ફેશન ડિઝાઈનર યુવતીનાં સાસરિયાંએ દહેજ પેટે રૂ.પ૦ લાખ માગ્યા હોવાની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લગ્ન બાદ પતિએ દારૂ પીને ઘરે આવી તકરાર તથા મારઝૂડ કરતાં સાસુ-સસરાને ફરિયાદ કરી હતી. સાસુ-સસરાએ ‘મોભાદાર ઘરમાં તો દારૂ પીવો ફેશન અને સ્ટેટસ છે’ તેમ કહી ગાળાગાળી કરી હતી. પોલીસે હાલ પતિ અને સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મણિનગર વિસ્તારમાં રહેતી સ્નેહા ર૦૧પમાં મુંબઈ ખાતે ફેશન ડિઝાઈનરનો કોર્સ કરવા ગઈ હતી, જ્યાં તેની મુંબઈમાં જ રહેતા રુચિર નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. એક જ સમાજનાં હોઈ માતા-પિતા લગ્ન માટે રાજી થતાં ર૦૧૬માં હાથીજણ ખાતે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં પ૦ લાખનું દહેજ સ્નેહનાં માતા-પિતાએ આપ્યું હતું. લગ્ન બાદ સ્નેહા મુંબઈ ખાતે તેનાં સાસરિયાં સાથે રહેતી હતી.

સાસુ-સસરાએ નોકરોને કાઢી મૂકી સ્નેહા પાસે ‘અમારે વહુની નહિ, પરંતુ નોકરાણીની જરૂર હતી’ એમ કહી કામ કરાવતાં હતાં. લગ્ન બાદ રુચિરે દારૂ પીને ઘરે આવી તકરાર અને મારઝૂડ કરતાં સાસુ-સસરાને ફરિયાદ કરી હતી. સાસુ-સસરાએ ‘મોભાદાર ઘરમાં તો દારૂ પીવો ફેશન અને સ્ટેટસ છે’ તેમ કહી ગાળાગાળી કરી હતી. નાસ્તા માટે લોજ ખોલવી છે, માટે તારા બાપા પાસેથી પૈસા લઇ આવ અને પછી આપી દઈશ તેમ કહ્યું હતું, જેથી ર૦ લાખ સ્નેહાના પિતાએ આપ્યા હતા.

પૈસા આપ્યા બાદ પણ રુચિરનું વર્તન સુધર્યું ન હતું અને મારઝૂડ કરતો હતો. ર૦૧૭માં ત્રાસથી કંટાળીને સ્નેહાએ હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કેસ થવાની બીકે હાથમાં અકસ્માતે કાચ વાગ્યો હોવાનું નિવેદન રુચિરે પોલીસને આપ્યું હતું. તને કંઈ ‌િશખવાડ્યું નથી તેમ કહી સ્નેહાને ઘરમાંથી કાઢી મૂકી હતી. સ્નેહા અમદાવાદ આવી જતાં એક દિવસ અચાનક રુચિર અમદાવાદ આવીને સારી-સારી વાતો કરી ઘરે રોકાયો હતો. બાદમાં સવારે ઝઘડો કરીને રૂ.પ૦ લાખ લઈને નહિ આવે તો સમાજમાં બદનામ કરી નાખીશ તેમ કહી ધમકી આપી હતી.

You might also like