સિવિલ હોસ્પિટલમાં માત્ર એક દિવસના પુત્રને ત્યજીને માતા ફરાર

અમદાવાદ: અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુને ત્યજીને માતા પિતા ભાગી ગયા હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે પરંતુ હજુ સુધી પોલીસને એક પણ માતા પિતાને શોધવામાં સફળતા નથી મળી ત્યારે વધુ એક નવજાત શિશુને ત્યજીને માતા ફરાર થઇ જતા સિવિલ કેમ્પસમાં ચકચાર મચી ગઇ છે. શાહીબાગ પોલીસે આ મામલે શિશુની માતા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરુ કરી છે.

મેમ્કો સર્કલ પાસે તારીખ ૮ જૂનના રોજ એક અજાણી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતાં તે રોડ પર તરફડિયાં મારતી હતી તે સમયે કોઇ રાહદારીએ ૧૦૮ને ફોન કર્યો. ત્યાર બાદ તે મહિલાને સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ વોર્ડમાં દાખલ કરી હતી. જ્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.

મહિલાએ તેનું નામ સોનલબહેન અજયભાઇ ઠાકોર છે અને રાજકોટની રહેવાસી હોવાનું લખાવ્યું હતું. પુત્રને જન્મ આપ્યા બાદ બીજા દિવસે સોનલબહેન પુત્રને મૂકીને પ્રસૂતિ વોર્ડમાંથી કોઇને કહ્યા વગર ફરાર થઇ ગઇ હતી. પ્રસૂતિ વોર્ડનો સ્ટાફ તેમજ તબીબોએ સોનલબહેનને શોધવા માટે હોસ્પિટલમાં શોધખોળ કરી પરંતુ તે નહીં મળતાં અંતે પોલીસને જાણ કરી હતી.

શાહીબાગ પોલીસે ૯ જૂનથી સોનલબહેનની શોધખોળ કરતા હતા પરંતુ તે નહીં મળી આવતાં અંતે ગઇ કાલે ગુનો દાખલ કર્યો છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજયસિંહે જણાવ્યું છે કે સોનલબહેનની શોધખોળ ચાલુ છે તેમને સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં અને તેઓ નાસી ગયાં તેના સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે.

આ મામલે એફ ડિવિઝનના એસીપી રાજેશ ગઢિયાએ જણાવ્યું છે કે સોનલબહેન વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દીધો છે તેમણે જે પુત્રને જન્મ આપ્યો હતો તે એકદમ તંદુરસ્ત છે અને બાળકોના વોર્ડમાં તેની દેખરેખ થઇ રહી છે. ગત વર્ષે સિવિલમાં બાળકને ત્યજીને જતા રહેલાં માતા પિતા વિરુદ્ધમાં બે ફરિયાદ દાખલ થઇ હતી.

નવજાત શિશુને સારવાર અર્થે ખસેડનાર એક યુવાન ભેદી રીતે લાપતા ગયો હતો. જે હજુ સુધી મળી આવ્યો નથી. નારણપુરા વિસ્તારમાં આવેલ અંકુર રોડ પરના અર્જુન હોમ્સમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ફરજ બજાવતા આનંદભાઇ મફતભાઇ પટેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નવજાત શિશુને ત્યજી દેનાર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

કનૈયાલાલ નામની વ્યકિત એક દિવસના જન્મેલ બાળકને લઇ હોસ્પિટલમાં આવી હતી. બાળકને સિવિયર બર્થ એસ્થેસિયા હોવાથી તેને આઇસીયુમાં દાખલ કર્યો હતો. બાળકને દાખલ કરતી વખતે કેસ પેપરમાં તેનું નામ કનૈયાલાલ છે અને આ બાળકની માતા ગીતાબહેન ચોરવાટા અને તે રાજસ્થાનના બાંસવાડા ‌જિલ્લાના ઓડવાડા ગામની રહેવાસી હોવાનું લખાવ્યું હતું.  આ બાળકનું મોત થઇ ગયું પરંતુ પોલીસ હજુ સુધી કનૈયાલાલ અને ગીતાબહેન સુધી પહોંચી શકી નથી.

You might also like