મેગાસિટીમાં રખડતાં ઢોર સાથે કુતરાંથી લોકો છે ભયભીત, દર વર્ષે કરડવામાં સતત વધારો

અમદાવાદ: મેગાસિટી અમદાવાદમાં રખડતાં ઢોરની સાથે સાથે લોકો રખડતાં કૂતરાથી પણ વધુ ભયભીત છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં દર વીસ વ્યક્તિ એક રખડતું કૂતરું છે. અનેક વિસ્તારોમાં સાંજ ઢળતાની સાથે ખાસ કરીને મહિલાઓ અને બાળકો રખડતાં કૂતરાંના આતંકથી ઘરની બહાર નીકળતા ફફડાટ અનુભવે છે.

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા હોવા છતાં જે પ્રકારે રખડતાં કૂતરાંઓ દ્વારા લોકોને બચકાં ભરવાના કેસની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે તેને જોતાં રખડતાં કૂતરાંઓની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઈ રહી હોવાનું પુરવાર થાય છે.

છેલ્લાં આઠ વર્ષનાં રખડતાં કૂતરાંઓએ બચકા ભર્યાંના કેસ બમણા થયા છે. તંત્ર દ્વારા છેક વર્ષ ૨૦૧૦ રખડતાં કૂતરાંઓની વસતી ગણતરી હાથ ધરાઈ હતી તે વખતે રખડતાં કૂતરાંઓની સંખ્યા આશરે ૧.૭૫ લાખની થઈ હતી. જોકે રખડતાં કૂતરાંને પકડીને તેનું ખસીકરણ અને રસીકરણ કરવાની કામગીરી તંત્ર દ્વારા એનિમલ હેલ્થ ફાઉન્ડેશન, પીપર કોટ એનિમલ અને એનિમલ રાઈટ ફંડ નામની ત્રણ સંસ્થાને સોંપાઈ છે. આ ત્રણ સંસ્થા પૈકી એનિમલ ટાઈટ ફંડ બેંગલુરુની હોઈ અન્ય બે સંસ્થા અમદાવાદની છે.

સત્તાવાળાઓએ આ ત્રણે સંસ્થાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાઈટ, પાણી એક ટેમ્પો સહિતની સુવિધા પૂરી પાડી હોવા છતાં શહેરમાં રખડતાં કૂતરાંઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે.

મ્યુનિસિપલ કોંગ્રેસના પૂર્વ નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ કહે છે, વર્ષ ૨૦૧૦માં રખડતાં કૂતરાંની વસતી શહેરમાં ૧.૭૫ લાખની હતી જે આજે લગભગ ત્રણ લાખથી ઉપરે જઈ પહોંચી છે. તંત્ર દ્વારા લાખો રૂપિયા રખડતાં કૂતરાં ખસીકરણ પાછળ ખર્ચાતા હોવા છતાં તેની વસતીમાં સતત વૃદ્ધિ થઈ રહી છે તે બાબત આઘાતજનક છે.

વર્ષ ૨૦૧૦માં ૩૦૭૨૩ વ્યક્તિઓને રખડતાં કૂતરાંઓએ બચકાં ભર્યાં હતાં. જેની સંખ્યા વર્ષ ૨૦૧૭માં ૭૭,૪૮૨એ જઈ પહોંચી છે એટલે કે છેલ્લા આઠ વર્ષમાં રખડતાં કૂતરાં કરડવાના કેસની સંખ્યા લગભગ બમણી થઈ છે. આ દર્શાવે છે કે શહેરમાં રખડતાં કૂતરાંનો ત્રાસ કેટલી હદે વધ્યો છે તેમ પણ બદરુદ્દીન શેખ જણાવે છે.

છેલ્લાં આઠ વર્ષમાં રખડતાં કૂતરાંઓએ કેટલા નાગરિકોને બચકાં ભર્યાં ?

  વર્ષ    કેસ
૨૦૧૦ ૩૦,૭૨૩
૨૦૧૧ ૩૮,૬૨૨
૨૦૧૨ ૪૧,૧૪૧
૨૦૧૩ ૪૧,૩૪૫
૨૦૧૪ ૪૭,૩૫૪
૨૦૧૫ ૫૧,૦૫૫
૨૦૧૬ ૫૩,૫૭૪
૨૦૧૭ ૫૭,૪૮૨
You might also like