હીટ વેવથી સાવધાનઃ ૨૦૧૦માં કાળઝાળ ગરમીએ શહેરમાં ૬૫નો ભોગ લીધો હતો

અમદાવાદ: શહેરના આકાશમાંથી સૂર્યનારાયણ દરરોજ અગનગોળા વરસાવી રહ્યા છે. ગઇ કાલે તો મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાતા લોકો તોબા પોકારી ઊઠ્યા હતા. છેલ્લાં વીસ વર્ષમાં પહેલીવાર એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ભીષણ ગરમી પડી છે. બપોરના સમયગાળામાં તો સ્વયંભૂ જનતા કરફ્યુ લાગે છે. છેલ્લાં પાંચ વર્ષથી ઉનાળાના આકરા તાપ સામે નાગરિકોને બચાવવા માટેનો તંત્રનો હીટ એકશન પ્લાન આ વર્ષે ચૂંટણી આચારસંહિતાના કારણે વિલંબમાં મુકાયો છે. જો કે હવે આજે બપોરે તંત્રની ઉચ્ચસ્તરીય બેઠક હીટ એકશન પ્લાન માટે મળી રહી છે.

અમદાવાદીઓ માટે ગત વર્ષ ર૦૧૦નો ઉનાળાે આકરી ગરમીના મામલે ભારે ઘાતક નિવડ્યો હતો. તે વખતે હીટ સ્ટોકના ર૭૪ કેસ નોંધાઇને ૬પ નાગરિક મૃત્યુ પામ્યા હતા. જો કે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તો વર્ષ ર૦૧૩થી હીટ એકશન પ્લાનને પ્રાથમિક ધોરણે અમલમાં મૂક્યો હતો.

આ વખતે ઉનાળાની ભીષણ ગરમીનો પ્રકોપથી લોકો રાડ પાડી ઉઠ્યા છે. પરંતુ સત્તાવાળાઓએ હીટ એકશન પ્લાન માટે સુસ્તી દાખવી છે. હીટ એકશન પ્લાન અંગે તંત્રનો એવો દાવો છે કે ગત તા.૧ એપ્રિલથી આનો અમલ શરૂ થઇ ચુક્યો છે પરંતુ આચારસંહિતાના કારણે કોઇ કાર્યક્રમ આયોજિત કરાયો નથી. આજની મિટિંગ પણ વિવિધ સરકારી એજન્સીઓ સાથેની ઉચ્ચસ્તરીય કોર્ડિનેશન મિટિંગ છે. દરમ્યાન મ્યુનિસિપલ તંત્ર દ્વારા આજે ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે.

દર વર્ષની જેમ આ વખતે પણ બે લાખ નાગરિકોને ઓરેન્જ અને રેડ એલર્ટના અેસએમએસ અપાશે. શહેરમાં બાર એલઇડી ડિસપ્લે સ્ક્રીનથી લોકો ગરમીની માહિતી મેળવી શકશે. પીપીપી ધોરણે શહેરભરમાં ૧પ૦૦ જેટલી પાણીની પરબ શરૂ કરાશે. તેમજ લેબર એરિયામાં પીપીપી ધોરણે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાશે.

દરમિયાન શહેરમાં ભીષણ ગરમીના પ્રકોપથી લોકોમાં ‌ડીહાઈડ્રેશન, વોમિટિંગ, બ્લડપ્રેશર, કાનમાંથી રક્તસ્રાવ થવો, બેભાન થઈ જવું, છાતી અને પેટના દુખાવા જેવી ફરિયાદો વધી છે. તંત્રના હીટ એક્શન પ્લાનમાં હીટ એલર્ટ વખતે મંદિરો, જાહેર ઈમારતો અને મોલને ‘ઠંડક કેન્દ્ર’ તરીકે સક્રિય કરાવવાં, નિરાશ્રિત લોકો માટે કામચલાઉ આશ્રયસ્થાન કાર્યરત કરવાં, હોસ્પિટલમાં લાઈટની સગવડ અને પાણીની સગવડ રાખવી, શહેરના બગીચાને બપોરે ખુલ્લા રાખવા જેવી બાબતોનો સમાવેશ કરાય છે.

આમ તો સત્તાવાળાઓને દર વર્ષે જાન્યુઆરીથી માર્ચ માટે પ્રથમ તબક્કામાં પ્રી હીટ સિઝન, માર્ચથી જુલાઈ માટે હીટ સિઝન અને સપ્ટેમ્બરથી જુલાઈમાં ત્રીજા તબક્કાની પોસ્ટ હીટ સિઝન હેઠળ આ આયોજન કરવાનું હોય છે. લોકોના ઘરની છત કે છાપરાંને ચૂનો લગાડવો, રૂફ ટોપ ગાર્ડન, શણના કોથળા અને ગ્રીન નેટ તેમજ સોલર પેનલનો ઉપયોગ વગેરે બાબતો પણ તેમાં આવે છે, તેમાંય ચૂનો લગાડવાના મામલે તો ભૂતકાળમાં તત્કાલીન શાસકોએ ખાસ્સી પબ્લિસિટી પણ મેળવી હતી. અલબત્ત, આ બધા ઉપાય હજુ અમલમાં મુકાયા નથી. જાણકાર સૂત્રો વધુમાં કહે છે કે ખાસ કરીને લઘુતમ તાપમાનમાં વધારો થાય તો મૃત્યુના કેસ પણ વધે છે.

You might also like