ધો.૧૦માં ૧૦૦ માર્કસની બોર્ડની પરીક્ષા લેવાની માગણી ફગાવાઈ

અમદાવાદ: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા સેમેસ્ટર પદ્ધતિ રદ કરવા સહિતના અનેક નિર્ણયોની જાહેરાત બાદ છેલ્લા ૧પ દિવસથી ધો.૧૦માં ૭૦-૩૦ના માર્ક્સના રેશિયાના મુદ્દે ચાલતી અટકળોનો અંત આવ્યો છે.
શિક્ષણ બોર્ડે શિક્ષણ સંઘની રેશિયા બાબતે કરવામાં આવેલી માગણીને ફગાવી દેતાં સાફ વાત કરી છે કે ધો.૧૦માં ૭૦-૩૦ના માર્ક્સના રેશિયાના મુદ્દે કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં.

ધો.૧૦ની પરીક્ષામાં ૭૦ માર્ક્સ બોર્ડના અને ૩૦ માર્ક્સ શાળા કક્ષાએ થતા મૂલ્યાંકનના ગણવામાં આવે છે. ૭૦-૩૦ માર્ક્સના રેશિયોમાં ઘણી શાળાઓ બોર્ડમાં રેન્કર્સ વધે તે માટે વિદ્યાર્થીઓને ૩૦માંથી વધુમાં વધુ માર્ક્સ આપી દેતી હોવાની ફરિયાદો બોર્ડ અને શિક્ષણ સંઘ સમક્ષ થઇ હતી. આ બાબતે બોર્ડમાં સંઘ સાથેની બેઠકમાં ચર્ચા પણ હાથ ધરાઇ હતી.

આ અંગે શિક્ષણ સંઘના પ્રમુખ પંકજભાઇ પટેલે જણાવ્યું હતું કે અા બાબતે ચર્ચા ઊઠી હતી, પરંતુ હવે બોર્ડનું વલણ સ્પષ્ટ છે કે ધો.૧૦માં માર્ક્સનો રેશિયો યથાવત્ રહેશે. ૩૦ ટકા માર્ક્સના મુદ્દે બોર્ડ દ્વારા ગમે ત્યારે રેન્ડમ ચેકિંગ કરાશે.
આ અંગે શિક્ષણ બોર્ડના સચિવ આર. આઇ. પટેલે કહ્યું હતું કે રજૂઆતો હતી, પરંતુ બોર્ડનું વલણ સ્પષ્ટ છે. હાલમાં ધો.૧૦માં ૭૦-૩૦ માર્ક્સનો ર‌ેશિયો છે તે જ યથાવત્ રહેશે.

You might also like