ઈમરાન ખાન પાખંડી છે અને નમાજ પણ પઢતા નથીઃ પૂર્વ પત્ની રેહમ ખાન

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની તહરિક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમખાને પોતાના આગામી પુસ્તકના કેટલાક લીક થયેલા અંશોએ પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે. રેહમખાનના પુસ્તકના અંશો ઓનલાઈન લીક થવાથી પીટીઆઈના નેતાઓએ ટ્વિટર પર પોતાની ભડાશ કાઢી છે. આ નેતાઓનું કહેવું છે કે રેહમખાન આગામી ચૂંટણી પહેલાં ઈમરાનની છબી ખરાબ કરનાર એજન્ડાના ભાગરૂપ બની ગઈ છે.

રેહમખાને પોતાનાં પુસ્તકમાં પૂર્વ પતિ ઈમરાન ખાનની છબી ખરાબ કરવા માટે સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ શરીફ જૂથ) તરફથી ૧૦,૦૦૦ પાઉન્ડ એટલે કે રૂ. ૯૦,૦૦૦ લીધા છે એવો આક્ષેપ પાકિસ્તાનના ચર્ચાસ્પદ સંગીતકાર અને પીટીઆઈના સભ્ય સલમાન અહેમદે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ અંગે મારી પાસે પુરાવા છે. મારી પાસે એવા ઈ મેઇલ છે જે રેહમે મને મોકલ્યા છે.

સલમાનના જણાવ્યા પ્રમાણે રેહમખાને પોતાનાં પુસ્તકમાં ઈમરાન ખાનની છબી ખરાબ કરવા માટે એવું લખ્યું છે કે ઈમરાન ખાન એક પાખંડી અને જુઠ્ઠા માણસ છે. ઈમરાન ખાન નમાજ પઢતા પણ નથી અને રોજા પણ રાખતા નથી.

પીટીઆઈના સમર્થ એક પાકિસ્તાની અભિનેતા હમજાઅલી અબ્બાસીએ ટ્વિટ કરીને એવું જણાવ્યું છે કે રેહમખાનનું પુસ્તક વાંચીને એવો નિષ્કર્ષ નીકળે છે કે ઈમરાન ખાન આ પૃથ્વી પરનાે સૌથી દુષ્ટ આદમી છે, જ્યારે રેહમખાન સૌથી પવિત્ર ધાર્મિક મહિલા છે. આ પુસ્તક પરથી એવી છાપ ઊભી થઈ છે કે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ એક અદ્ભુત વ્યક્તિ છે.

You might also like