ઈમ્પોર્ટેડના નામે ડોક્ટરે ઈન્ડિયન મેઈડ સ્ટેન્ટ મૂકી દીધો

અમદાવાદ: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં બે વર્ષ પહેલાં દર્દીની એન્જિયોપ્લાસ્ટી વખતે ઇમ્પોર્ટેડ (મેઇડ ઇન અમેરિકા) સ્ટેન્ટ મૂકવાનું કહ્યા બાદ દેશી સ્ટેન્ટ (મેઇડ ઇન ઇન્ડિયા) મૂકતાં મામલો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પહોંચ્યો છે. દર્દીના પરિવારજનોએ રાજસ્થાન હોસ્પિટલના સત્તાધીશો સામે રૂ.સાત લાખનું વળતર ચૂકવવા માટેની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલના ડોકટરો અને સંચાલકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અસારવામાં રહેતા સંજય શર્માના પિતા શ્યામસુંદર શર્માને હાર્ટની બીમારી હોવાના કારણે તા.૩૦ ઓગસ્ટ ર૦૧૪ના રોજ રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૩૧ ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. હિતેશ શાહે શ્યામસુંદર શર્માની એન્જિયોગ્રાફીકરી હતી. શ્યામસુંદરના પુત્ર સંજયે ઇમ્પોર્ટેડ સ્ટેન્ટ મૂકવાની વાત કરી હતી અને રૂ.૧.૭પ લાખ ભર્યા હતા.

થોડાક સમય પછી શ્યામસુંદરને ફરીથી છાતીમાં દુખાવા ઉપડતાં તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમને જે સ્ટેન્ટ મુકાયું હતું તે ઇન્ડિયા મેઇડ હતું.  શ્યામસુંદરનું મૃત્યુ થતાં તેમના પુત્ર સંજયભાઇએ મેટ્રોપોલિટન કોર્ટમાં રાજસ્થાન હોસ્પિટલના સત્તાધીશો તથા ડો. હિતેશ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી ત્યાર બાદ ગઇ કાલે સંજયભાઇએ તેમના વકીલ કુણાલ સકસેના દ્વારા ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં રૂ.સાત લાખના વળતર માટેની ફરિયાદ દાખલ કરી છે. જેમાં કોર્ટે રાજસ્થાન હોસ્પિટલના સત્તાધીશો તથા ડો.હિતેશ શાહ વિરુદ્ધ નોટિસ ઇશ્યૂ કરીને હાજર રહેવા આદેશ કર્યો છે.

You might also like