બેન્ક-વીમા અને રેલવેના કેટલાક નિયમોમાં આજથી મહત્વના ફેરફાર

નવી દિલ્હી: આજે ૧ સપ્ટેમ્બરથી સામાન્ય લોકોના જીવનને અસર કરતા કેટલાક નિયમો બદલાઇ રહ્યા છે. આ નિયમોના બદલાવને લઇને આજથી કાર અને બાઇક મોંઘાં થશે. આ ઉપરાંત રેલ યાત્રીઓને હવે વીમાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. અત્યાર સુધી ટિકિટ સાથે વીમાનો લાભ ફ્રીમાં મળતો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર થર્ડ પાર્ટી વીમા માટે નવા નિયમો જારી થયા છે. હવે બાઇક માટે પાંચ વર્ષનો અને કાર માટે ત્રણ વર્ષનો વીમો લેવો પડશે અને તેથી આજથી બાઇક અને કાર મોંઘાં થશે, જોકે તેના પગલે ગ્રાહકોને હવે દર વર્ષે વીમો રિન્યૂ કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.

સુપ્રીમ કોર્ટમાં નવા નિયમોની સમયમર્યાદા લંબાવવા માટે એક અરજી દાખલ કરાઇ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની મુદત લંબાવવા ઇન્કાર કરી દીધો છે. આજથી આઇઆરસીટીસી પર ટિકિટ બુક કરાવવા માટે રેલ પ્રવાસ વીમાનું પ્રીમિયમ પણ ચૂકવવું પડશે.

રેલવે ટિકિટ પર પ્રવાસીઓને રૂ. ૧૦ લાખ સુધીનો વીમો મળે છે. અત્યાર સુધી આ સેવા વિના મૂલ્યે મળતી હતી, પરંતુ તેના પર હવે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ માટે ટિકિટ બુક કરતી વખતે વિકલ્પ પણ આપવો પડશે.

આજથી તમાકુની પ્રોડક્ટ પર મોટી ચેતવણી પ્રસિદ્ધ કરવી પડશે. તમાકુની પ્રોડક્ટ અને સિગારેટના પેક પર એક નેશનલ ટોલ ફ્રી નંબર છપાશે કે જેથી તેનો ઉપયોગ કરનાર લોકોને તમાકુનું વ્યસન છોડવામાં મદદરૂપ થઇ શકે.

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનું ઉદ્ઘાટન કરનાર છે અને તેથી પ્રત્યેક જિલ્લામાં આ બેન્કની બ્રાંચ શરૂ થશે અને ગ્રામીણ વિસ્તારમાં નાણાકીય સેવા પર ફોકસ કરવામાં આવશે. આ બેન્ક દ્વારા પોસ્ટમેન હવે ડિજિટલ બેન્કિંગને ઘરે ઘરે પહોંચાડશે.

You might also like